આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાઠીના કુમાર
[ ૫
 

 કલાપીના પિતા તખ્તસિંહજી મહા શૂરવીર રાજા લાખાજીના બીજા પુત્ર હતા. તેમણે લાઠીની આસપાસ રંજાડ કરી રહેલા કાઠીઓને પોતાના બાહુબળથી હંફાવ્યા હતા, તેથી કહેવત પડી છે કે: ‘ચારે કોર કાઠી, ને વચ્ચે લાખાની લાઠી’. લાખાજીની પછી તેમના મોટા પુત્ર દાજીરાજ ઊર્ફે અમરસિંહ ગાદીએ આવ્યા, પણ તે થોડા સમયમાં સ્વર્ગવાસી થયા. તેમની પાછળ માત્ર એક કુંવરી જ હતાં, જેમને વઢવાણના ટૂંક મુદત રાજ્ય ભોગવ્યા છતાં અપૂર્વ શક્તિશાલી રાજ્યકર્તા તરીકેની નામના મેળવી જનાર દાજીરાજની સાથે પરણાવ્યાં હતાં. એટલે લાઠીની ગાદી અમરસિંહ પછી તેમના નાના ભાઈ તખ્તસિંહજીને મળી. તખ્તસિંહજીને ત્રણ કુમારો હતા: ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાંથી ભાવસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમ્યાન મૃત્યુ પામવાથી સુરસિંહજી રાજ્યના વારસ થયા. તખ્તસિંહજી પણ કલાપીને નાના મૂકી મરણ પામ્યા એટલે એજન્સી તરફથી રાજ્ય ઉપર મેનેજમેંટ થયું હતું. થોડા સમયમાં કલાપીનાં માતુશ્રી રાયબા જે ગોંડળ ભાયાત ગણોદ દરબારનાં કુંવરી હતાં તે પણ સ્વર્ગવાસી થયાં. આ પ્રમાણે કલાપીએ નાની વયમાં જ માબાપનું સુખ ખોયું. કલાપીની સંભાળ લેવાનું કામ હવે એજન્સી તરફથી નિમાયેલા મેનેજરો અને તેમના ખાનગી શિક્ષક ત્રિભોવન જગજીવન જાનીના હાથમાં આવ્યું.

લાઠીના મેનેજર તરીકે એજન્સીએ પ્રથમ બહેરામજી કડાકા નામના પારસી અમલદારને નીમ્યા હતા. આ સમયે તે ઝીંઝુવાડાના મેનેજર તરીકે હતા, પણ ત્યાં તેમને મધુપ્રમેહ થયો અને તેમાંથી કેન્સર થયું એટલે સારવાર માટે રાજકોટ રજા ઉપર આવ્યા હતા. બહેરામજીને વાઢકાપ કરાવવી પડી અને તેથી લાંબો વખત ઇસ્પિતાલમાં રહેવું પડ્યું, એટલે કામચલાઉ પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટ્સને આશારામ દલીચંદ શાહની લાઠીના કામચલાઉ મેનેજર તરીકે નિમણુક કરી. આશારામે લાઠીના મેનેજર તરીકેનો હોદ્દો ઈ. સ.