આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૯૫
 


કાવ્યને કાવ્ય જ કહેતો નથી. લાગણી વિનાનું કાવ્ય બને જ નહિ. લાગણી જેમાં નહિ તે કાવ્ય નહિ. 'દલપતરામ ઘણું કરીને એક શીઘ્ર કવિ છે, અને તેથી જ તે કવિ જ નથી. આપ વિચારશો તો જાણશે કે દુનિયામાં જેટલા કવિ (કાલિદાસ કે શેક્સપીયર જેવા, શેલી જેવા) મરી ગયા તેથી ઘણા બીજા અજાણ્યા મરી ગયા છે.' [૧]

'હૃદયની કોમળતા એ જ કાવ્યની ઉત્પત્તિ છે. આમ છે તેથી કેટલાએક કાલિદાસ કરતાં ભવભૂતિને મ્હોટો કવિ કહે છે. કેટલીક બાબતમાં ભવભૂતિના હૃદય જેવું દુનિયાના કોઈ કવિનું હૃદય કુમળું નથી. આપ મણિભાઈનું 'ઉત્તરરામ'નું ભાષાન્તર જરૂર વાંચશો. એ ભાષાન્તર આપણી ભાષામાં એક ઉત્તમ ભાષાંતર ગણાય છે. આપણે તે અહિં સાથે વાંચીશું, ટુંકું છે. આમ છે તે શીઘ્રકવિ કવિ નહિ, અને શીઘ્રકવિતા કવિતા નહિ.'

એટલે કલાપીની કવિતા ભલે શ્રમસાધ્ય કલા ન હોય, પણ કવિતાનું આવશ્યક તત્ત્વ, પ્રેરકતત્ત્વ, લાગણી તેમાં છે. તેમના હૃદયમાં ઊર્મિઓ એવી ઉછળી રહેતી હતી કે તેમનાથી લખ્યા વિના રહી શકાતું જ નહિ અને લેખકના હૃદયના ઊંડાણમાંથી આવતું હોવાથી જ આ ગાન વાંચકોના હૃદયમાં પણ સહેલાઈથી ઊતરી જાય છે.

હૃદયના આ દર્દને કારણે તેમને પ્રણયનો જે અનુભવ થયો હતો તે છે; અને તેમનાં કાવ્યોની લોકપ્રિયતાનું બીજું કારણ પણ આ જ છે.

કલાપી અને શોભનાના પ્રણયનો કિસ્સો નવલકથાના જેવો રોમાંચક છે. અને તેમનાં ઘણાં કાવ્યોનો વિષય આ જ હોવાથી વાંચકોને તેમાં અપૂર્વ રસ પડ્યો. જેમ જેમ એ વાત પત્રો, વિવેચન, વ્યાખ્યાનો વગેરે સાધનોથી જાણીતી થતી ગઈ તેમ તેમ 'કેકારવ'નાં કાવ્યોનું આકર્ષણ પણ વધતું જ ગયું.


  1. ૧. 'કાન્તને પત્ર,' તા. ૨૮-૩-૯૩ 'કલાપીની પત્રો.'