આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ ]
કલાપી
 

૧૮૮૬ ના જુલાઈ માસમાં સંભાળી લીધો, અને તે જગ્યા પર ઈ. સ. ૧૮૯૨ ના અંત સુધી તે રહ્યા.

આશારામ શાહનું નામ ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ ના લેખક તરીકે જાણીતું છે, તે કરતાં અમદાવાદના પ્રસિદ્ધ એડવોકેટ શ્રી. મૂળચંદભાઈ અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સ્વ. લલ્લુભાઈના પિતા તરીકે તેમને કદાચ વધારે ગુજરાતીઓ ઓળખતા હશે.

આશારામ સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, અને લાઠીમાં મેનેજર તરીકે નિમાયા તે પહેલાં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. સર પ્રભાશંકર પટ્ટણી, બેરિસ્ટર દલપતરામ ભગવાનજી શુકલ, મોરબીના ઠાકોર વાઘજી વગેરે નામાંકિત ગુજરાતીઓ પોતાને આશારામના શિષ્યો કહેવડાવવામાં ગર્વ લેતા. એટલે આવા કુશળ કેળવણીકારના હાથમાં લાઠીનો કારભાર આવ્યો તે બાળ કલાપીનું સદ્‌ભાગ્ય ગણાય.

કલાપીએ પિતા અને માતાનું સુખ નાનપણમાં ખોયું હતું, અને તેમને અપરમાતાઓ હતી; એટલે દેશી રજવાડાઓમાં જે રાજખટપટ હોય છે તેનો પરિચય કલાપીને નાનપણથી જ થયો હશે. આ કારણોથી તેમના સ્વભાવમાં જે વૈરાગ્યવૃત્તિ હતી તેને નાનપણથી જ પોષણ મળ્યું હશે એમ લાગે છે. કલાપીનો સ્વભાવ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિવાળો હતો.

“કલાપીના સંવાદો છે તેમાં એમના જીવનનું પ્રતિબિંબ છે. એમની માતા એ મોટા થયા ત્યારે કહેતાં: ‘નાનો હતો ત્યારે તું આવો હતો, આમ કરતો, આમ બોલતો’ વગેરે. અને આ બધું સાંભળીને તથા બીજી બોધપ્રદ વાતો જે તેમણે નાનપણમાં સાંભળેલી એ બધાના પરિણામરૂપે તેમણે પોતાના સ્વતંત્ર સિદ્ધાન્તો એ સંવાદોમાં ચર્ચ્યા છે.”[૧] આ દૃષ્ટિથી કલાપીના ‘મેનાવતી અને


  1. ૧ ભાનુશંકર ઉદયશંકર ઓઝા. ‘કૌમુદી’-કલાપી અંક પૃષ્ટ ૬૩.