આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮]
કલાપી
 


'શેલડી' કાવ્ય વર્ડ્ઝવર્થની શૈલિથી લખ્યું છે એવું કલાપીએ કહ્યું છે. આ કાવ્યનું નામ ફેરવીને પછીથી 'ગ્રામ્યમાતા' રાખવામાં આવ્યું હતું.

કલાપીએ એક પત્રમાં લખ્યું છે– “Goody Blake" છીછરા વાંચનારાઓને રસહીન લાગશે; ઉંડા વાંચનારને બહુ રસ આવશે. આંતરડીની કદુવા લાગવી, નિસાસો લાગવો, અહો ! એથી માણસ કેવું દુઃખી થાય છે ? કુદરતને વર્ડ્ઝવર્થ જરાપણ કઠિનતા સહન ન કરી શકે તેવી ગણે છે. અકૃપા–નાની સરખી પણ–કુદરત સહી શકતી નથી અને બ્લેકના શાપથી જીલ થંડો થઈ જાય છે. આપણો કાયદો તો શું, પણ આપણી ઇક્વિટીથી પણ વર્ડ્ઝવર્થની ઈકિવટી બહુ ઊંચી છે." 'ગ્રામ્યમાતા' માં પણ આ પ્રમાણે મનની અસર જ બતાવી છે. પણ તે સિવાય વર્ડ્ઝવર્થનું બીજું કાંઈ જ નથી.

'ગુડી બ્લેક અને હેરી જીલ'ની વાર્તા એવી છે કે, ગુડી બ્લેક નામની એક ડોશીની ઝુંપડી હેરી જીલના મકાન પાસે હતી. ગુડી બ્લેક ગરીબ હતી ત્યારે હેરી જીલ સારી સ્થિતિનો હતો. શિયાળાની ઠંડીથી ધ્રુજતી ગુડી બ્લેક કોઈ વખત હેરી જીલની વાડમાંથી લાકડાં ઉઠાવી લાવતી. એ પ્રમાણે એક વખત લાકડાં ખોઈમાં વીણીને જતી હતી તેવામાં હેરીએ તેને પકડી અને ધમકાવી. ડોશીએ કહ્યું : "હે ઈશ્વર ! તું બધું જ સાંભળે છે; તો હું કહું છું કે, આ માણસને કદી ગરમી મળશે નહિ !' અને ત્યારથી હેરી ઠંડો થઈ ગયો. સાત કોટ પહેરે, સાત કામળા ઓઢે અને ગમે તેટલું તાપે પણ હેરીની ટાઢ ઊડે જ નહિ. ગ્રામ્યમાતાને તો ડોશીના જેટલું પણ બોલવું પડતું નથી !

'વૃદ્ધ માતા'નું કાવ્ય વર્ડ્ઝવર્થના The Affliction of Margaret ઉપરથી લખાયું છે. તેમાં કલાપીએ તેના નિયમ પ્રમાણે ઘણે ઉમેરો કર્યો છે.