આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ ]
કલાપી
 

એટલું જ નહિ પણ ઘણું નવું ઉમેર્યું છે. સ્વ. ગોવર્ધનરામે પણ આ કાવ્યનું ભાષાન્તર કર્યું છે. સરસ્વતીચંદ્રના ચોથા ભાગમાં કુમુદ આ કાવ્ય ગાય છે. પણ સ્વ. ગોવર્ધનરામે આખા કાવ્યનું ભાષાતર કર્યું નથી. કુમુદ અહીં 'પ્હાડી સાધુ'માં ૧૧૬ પંક્તિઓમાં આવે છે ત્યાંસુધીના ભાવાર્થનું ગીત જ ગાય છે. પછીથી ગોવર્ધનરામ કુમુદ પાસે પોતાની કથાને અનુકુલ પંક્તિઓ ગવડાવે છે. ગોવર્ધનરામે અધૂરું મૂકેલું ભાષાન્તર સ્વ. નરહરિલાલ ત્ર્યંબકલાલે પૂરું કર્યું હતું અને તે 'વસંત’ના સંવત્ ૧૯૬૩ના જ્યેષ્ઠ માસના અંકમાં છપાયું હતું. 'સાહિત્યરત્ન' નામે શાળોપયોગી સાહિત્યસંગ્રહના પહેલા ભાગમાં પણ તે પ્રસિદ્ધ થયું છે.

આ બન્ને ભાષાન્તરોની સરખામણી શ્રી. મોહનલાલ પાર્વતીશંકર દવેએ 'ગુજરાતી' ના સં. ૧૯૮૦ ના દિવાળી અંકમાં કરી હતી: “એ ઉભય સાક્ષરોના પ્રયત્ન તદ્દન નિષ્ફળ તો ન જ જાય એ ખુલ્લું છે. ઉભયમાં ઉંચા પ્રકારની રસિકતા હતી. કવિ તરીકેનું જીવન ઉભયને સ્વાભાવિક હતું. કવિપણાનું સ્વતંત્ર વ્યક્તિત્વ તેમાં સ્વતઃસિદ્ધ હતું, અને એ વ્યક્તિત્વ ઉંચા પ્રકારની કેળવણીથી અને રસિક કાવ્યોના વાંચનથી સુદૃઢ અને વિકસિત બનેલું હતું. ઉભયની કૃતિ કેવળ અનુકરણરૂપ નથી; પણ મૂળ લેખકના ઉંડા ભાવમાં ઊતરીને, તેની સાથે પોતાના હૃદયનું તાદાત્મ્ય કરીને, તેની કવિતાનું અંતસ્તત્ત્વ પોતાના અંતરમાં ઉતારીને, તે તત્ત્વને પણ પોતાના હૃદયના રંગથી રંગીને તેને વિશેષ મનોહર બનાવવાનો પ્રયત્ન ઉભયે કીધો છે, અને એમ હોવાથી ઉંચા પ્રકારની કવિતાનાં ખાસ લક્ષણો એમાં આવી શક્યાં છે, અને સાધારણ રીતે બીજાં પ્રાકૃત મનુષ્યોને હાથે થતાં અનુકરણોમાં જેવી શુષ્કતા આવી જાય છે તેવી એમાં આવી નથી."

આમ શરૂઆત કરી શ્રી. દવેએ વિગતવાર સરખામણી કરી એ અભિપ્રાય દર્શાવ્યો છે કે, કલાપીના કાવ્યમાં જો કે કેટલેક