આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાઠીના કુમાર
[ ૭
 

ગોપીચંદ’ ના સંવાદમાં ગોપીચંદના બાલ્યકાળનું વર્ણન છે તે જોવા જેવું છે.

“તું યોગભ્રષ્ટ થયેલો કોઈ યોગી છે... ગોપીચંદ, તું જન્મ્યો ત્યારે સ્તનપાન કરતો નહોતો; અમે બધાં ગભરાયાં. જોશીએ કહ્યું કે ‘કાંઈ ચિંતા નહિ, બીજાં કોઈ બાળકને ધવરાવો એટલે કુમાર ધાવશે.’ અમે એમ કર્યું અને તું ધાવવા લાગ્યો. બાળકનો સ્વભાવ તો એક સ્તન પોતાના હાથથી ઢાંકીને બીજાને ધાવવાનો. તેમાં તારી આ રીતિથી સૌને કૌતુક થયું. તું મોટો થયો ત્યારે પણ અન્યને ખવરાવીને ખાતો, અન્યને રમકડાં આપીને રમતો. સૌ કહેતાં કે તું ચક્રવર્તી રાજા થશે. તું પછી ભણવા બેઠો ત્યારે ઘણી વખત તારા ગુરૂઓ તને શિક્ષા કરતા અને મને કહેતા કે તું ભણવાનું ભણતો નથી, અને બીજું જ કાંઈ વાંચ્યા કરે છે. તું ઘણી વખત મોટા માણસો પણ સમજી શકે નહિ તેવું સમજી શકતો, છતાં બાળકો સમજી શકે તેવું કેટલુંક સમજી શકતો નહિ. મેં પણ તને ઘણીવાર પુસ્તક હાથમાં લઈને કોઈ વિચારમાં મગ્ન થઈ બેઠેલો જોયો છે.

“હું તને પૂછતી કે તું શું કરે છે ? ઉંઘમાંથી ઉઠતો હોય એમ તું કહેતો કે ‘મને સ્વપ્ન આવે છે.’ તું સ્વપ્નામાં યોગીઓની જમાતો અને જંગલો જોયા કરતો. કોઈ વખત વળી તું અપ્સરાઓ વગેરે દિવ્ય મહેલો અને બગીચા આનંદથી આકાશમાં આંખ ખોડી રાખી નિહાળતો; પૃથ્વી પર ન હોય એવા પદાર્થોમાં તને આમ જાગતાં અને નિદ્રામાં સ્વપ્ન થયાં કરતાં. તું તો હસી હસીને એ બધું મને કહેતો પણ મને ગુરૂનાં વચનો યાદ આવ્યા કરતાં અને ઘણીવાર રડી પડતી. તને ચિંતા, ફિકર કોઈપણ કાર્યનો બોજો, બિલકુલ ગમે નહિ એવો તારો વિલાસી સ્વભાવ જોઇને મને બહુ દુઃખ થતું અને તને સુધારવા બહુ બહુ રીતે યત્ન કરતી, પણ બધું ફોકટ.”[૧]


  1. ૧ ‘કાશ્મીરનો પ્રવાસ, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગના ધર્મવિચારો.’ પૃ. ૧૨૪–૧૨૫.
    પ્રકાશક: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ