આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ ]
કલાપી
 


ત્યાર પછી લગભગ એક વર્ષ પછી સ્વ. કાન્તને કલાપીએ 'હૃદય–ત્રિપુટી'ની નકલ મોકલતાં તેને કાવ્યને બદલે ઇતિહાસ તરીકે વાંચવાનું લખ્યું હતું.

"'હૃદયત્રિપુટી' મોકલેલ છે. હું કહેતો હતો તે જ આ. તેને આપ કાવ્ય તરીકે વાંચવા કરતાં ઇતિહાસ તરીકે વાંચશો. કાવ્ય જેવું બહુ તેમાં નથી. એક વૃત્તાંતમાં અમુક સુધારા કરવામાં આવે છે ત્યારે જ કાવ્ય બને છે, તે આમાં નહિ જેવો જ કરવામાં આવ્યો છે. કદાચ તેમાં poetic justice (કાવ્યસહજ ન્યાય) પણ નહીં લાગે. એ વૃત્તાંતમાં એ justice (ન્યાય) હોત તો એ કાવ્યમાં પણ આવત.” [૧]

પણ આ કાવ્યને એક રીતે જોતાં ઇતિહાસ ન કહી શકાય. તેમાં બનેલા બનાવોનું જ માત્ર વર્ણન નથી; કવિએ તેમાં કલ્પનાથી ઘણું ઉમેર્યું છે. વળી આ કાવ્ય લખાયા પછી બે વર્ષે કલાપીએ શોભના સાથે લગ્ન કર્યું. કલાપી પોતાનાં રોહાવાળાં રાણીને 'રમા' અને 'મોંઘીબા'ને 'શોભના' કહેતા હતા, તેથી આ કાવ્યને કલાપીનું જીવનવૃત્તાંત જ માની લેવાય તેવું છે. પણ આ કાવ્યના જેવું કલાપીનું જીવન લગભગ થયું એમ કહી શકાય. એટલે કવિએ જ્યારે તે લખ્યું ત્યારે તેમાં પોતાના જીવનમાં બનેલા બનાવોને બદલે શું બનવું જોઈએ તે લખ્યું છે. સ્વ. કાન્તને ઉપર દર્શાવેલ પત્ર પછી એક અઠવાડિયે કલાપીએ લખ્યું હતું: 'શેલી મેં ૯૨ ની સાલમાં વાંચ્યું હતું. હું ત્યારે તેને સમજી શક્યો નહોતો. હું તેના વિચારમાં અનીતિ જોતો હતો. પણ અહા ! સમય ગયો, અનુભવ મળતા આવ્યા અને જે તે પુકારી ગયો છે તેનું તે જ મ્હારા નશીબમાં લખાયું. હમણાં સાત દિવસ પહેલાં જ ફરીથી એ કવિનાં ત્રણ ચાર કાવ્યો વાંચ્યાં. Epipsychidion [એપિસાઈકીડિયોન] તો ખાસ વાંચવું જ હતું, તે વાંચતાં લાગી આવે છે કે, મ્હારે કાંઈ જ લખવાની જરૂર નથી. પણ એ હૃદય કરતાં આ હૃદયનું દર્દ વિશેષ વિષમ હોય તેમ


  1. ૧. કાન્તને પત્રઃ ૧-૮-૯૭