આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ ]
કલાપી
 


પણ અહીં જુદાં જુદાં દૃષ્ટાંત આપી લેખક છેવટે જે નિર્ણય પર આવે છે તે ખાસ જાણવા લાયક છે. તે કહે છે કે, આવાં દૃષ્ટાંત પરથી એવું અનુમાન કરવાનું નથી કે, માણસે નિરંકુશ બની જવું; પણ એક પતિવ્રત અને પત્નીવ્રતના ઉચ્ચ આધ્યાત્મિક આદર્શને પહોંચનાર વ્યક્તિઓ કેટલી બધી મહાન છે તે સમજવાનું છે.

કલાપીની માન્યતા, ઉપર લખ્યું તે લેખકના અને શેલીના કરતાં પણ જુદા પ્રકારની હોવાનું એક કારણ એ પણ હોઈ શકે છે, કલાપી અનેક સ્ત્રી–લગ્નની પ્રથાના અમુક દૃષ્ટિબિંદુથી હિમાયતી હતા, એટલે તેમને આમાં કાંઈ જ અનીતિ જેવું લાગે નહિ. એક પત્નીવ્રતની માન્યતાવાળા ખ્રિસ્તી ફિલસૂફ સ્વીડનબર્ગના વિચારો ઉપર વિવેચન કરતાં કલાપીએ પોતાનું દૃષ્ટિબિંદુ વિસ્તારથી સમજાવ્યું છે. સ્વ. સર રમણભાઈને તેમાં 'સુરસિંહજીનું ઠાકોરપણું કાયમ રહેલું' [૧] અને 'રજપુત રાજાની સાંસારિક ભાવના તેમને છોડી દઈ શકી નથી' એવું જણાય છે. પણ કલાપીના આ વિચારોમાં 'ઠાકોરપણું' અથવા 'રજપૂત રાજાની સાંસારિક ભાવના' કરતાં કાંઈક વધારે છે. કયા હેતુથી કલાપી 'હૃદય-ત્રિપુટી'માં ત્રણ હૃદય ઐક્યની કથા કહેવા પ્રેરાયા, અને જીવનમાં પણ શાથી તેમણે સર્વસ્વના ભાગે આવું સાહસ ખેડવાનું યોગ્ય ધાર્યું તે 'સ્વીડનબર્ગના ધર્મ વિચાર'માં વિસ્તારથી અને ઘણું નિખાલસરીતે દર્શાવ્યું છે.

આ સર્વ પ્રશ્નોના કરતાં વધારે મહત્ત્વને પ્રશ્ન એ છે, કે કાવ્ય તરીકે 'હૃદય-ત્રિપુટી'નું મહત્ત્વ કેટલું. તે વિશે અત્યાર સુધી ઘણા લેખકોએ જુદા જુદા અભિપ્રાય આપ્યા છે, પણ સાચો અભિપ્રાય તો દરેક વાંચકે જાતે જ બાંધવો જોઈએ. છતાં વિવેચક તરીકે દુરારાધ્ય મનાતા સ્વ. નરસિંહરાવનો આ કાવ્ય વિશે કેવો અભિપ્રાય છે. તે જાણવું કદાચ ઉપયોગી થઈ પડશે. તેમણે કલાપી વિશે અભિપ્રાય દર્શાવતાં લખ્યું છેઃ


  1. ૧ 'જયંતી વ્યાખ્યાનો'