આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ ]
કલાપી
 

આ ગોપીચંદનું વર્ણન કલાપીના પાછળના સમયના સ્વભાવની જે હકીકતો આપણે જાણીએ છીએ તે પરથી કલાપીના જે બાળસ્વભાવનું વર્ણન હોય એમ માનવામાં કાંઈ હરકત લાગતી નથી. કલાપીએ મેથ્યુ આર્નોલ્ડના કાવ્ય To a Gipsy Child નું ભાષાન્તર ‘સમુદ્રથી છંટાતું બાળક’ એ નામથી કર્યું છે તેમાં જે બાળકનું વર્ણન આવે છે તે આ યોગભ્રષ્ટ આત્માના સ્વભાવ સાથે એવું મળતું આવે છે કે આ કાવ્યનું ભાષાન્તર પણ કલાપીએ પોતાની બાલ્યાવસ્થાનું જ તેમાં સામ્ય જોવાથી કર્યું હશે એમ લાગે છે.

કલાપીના સ્વભાવ વિશેની આ માન્યતાને તેના પોતાના પત્રોમાંથી એવો ટેકો મળે છે, કે આ અનુમાન વિશે કાંઈ શંકા રહેતી નથી.

‘મને મારી પોતાની ખાતર રાજ્ય કરવા પાછું આવવાનું મન થશે, એમ હું ધારી શકતો નથી. કોઈ દુઃખથી, કોઈ ક્ષણના વિચારથી હું રાજ્ય છોડી જતો હોત તો એ ધાસ્તી રહેત; પણ એમ નથી. મને કાંઈ વિચાર કરવાની શક્તિ ન હતી ત્યારની આ ઈચ્છા છે, અને અનેક ઇચ્છાઓ, વિચારો ફરી ગયા છતાં તે તેવી ને તેવી જ રહી છે, વધતી ગઈ છે. એટલે આ ધારણા એક તોર જેવી નથી.’[૧]

કલાપીનો જન્મ ઈ. સ. ૧૮૭૪ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયો હતો. કલાપી પોતાનો જન્મદિવસ દેશી તીથિ પ્રમાણે ગણતા હતા, અને તે માઘ સુદિ નવમી, સંવત્ ૧૯૩૦. ઠાકોર સાહેબ તખ્તસિંહજીના અવસાન પછી આશારામ ઇ. સ. ૧૮૮૬માં મેનેજર નિમાયા, એટલે કલાપીનું વય પિતાના મૃત્યુ સમયે બાર વર્ષનું હશે. શ્રી. મૂળચંદ આશારામે લખ્યું છે કે તેમના પિતા મેનેજર નિમાયા તે પછી થોડા સમયે કલાપીનાં માતુશ્રીનું પણું અવસાન થયું. આ


  1. ૧. ‘શ્રી કલાપીની પત્રધારા.’
    સ્વ. ગોવર્ધનરામ ઉપરનો પત્ર, પૃ. ૪૨૩