આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકુમાર કૉલેજમાં
[૧૩
 

કૉલેજમાં સુરસિંંહજીએ કેટલાક મિત્રો કર્યા હતા તેમાં નાંદોદના કુંવર દિગ્‌વિજયસિંંહજી અને શિવસિંંહજી મુખ્ય હતા. દિગ્‌વિજયસિંહજી ગોહિલ હતા એટલે કલાપીને ભાઈ કહેતા હતા.

રજાઓમાં કલાપી લાઠી આવતા અને મેનેજરના સમવયસ્ક પુત્ર મૂળચંદભાઈ અને લલ્લુભાઈની સાથે ખાસ કરીને ટેનિસની રમત રમતા હતા. દર વેકેશનમાં લગભગ દરરોજ સવારે તથા સાંજે ટેનિસ રમતા હતા, અગર ઘોડેસ્વાર થઈ સાથે ફરવા જતા હતા ટેનિસનો તેમને ઘણો શોખ હતો અને તેથી લાઠીમાં જ્યારે રમનારાઓની પૂરતી સંખ્યા થઈ ત્યારે તાબડતોબ ટેનિસ કૉટ બનાવરાવ્યો અને તાર કરી મુંબઈથી રમતનો સામાન મંગાવ્યો હતો. તેમને સાદાઈ પસંદ હતી, અને આડંબરનો તિરસ્કાર હતો, છતાં તેમના શોખ ઊંચી ભૂમિકાના હતા, અને તેથી પોતાની વપરાશના જીન, ગાડી, ઘોડા વગેરે દરેક ઊંચા પ્રકારનું હોય એવી કાળજી રાખતા હતા. [૧]

એક વખત, શ્રી. મૂળચંદભાઈની માગણીને માન આપી સુરસિંહજી સૌની સાથે ઈ. સ. ૧૮૮૮ ની નાતાલની રજામાં ગઢડે ગયા હતા, અને ત્યાં સૌએ ચાર દિવસ ઘણા આનંદમાં ગાળ્યા હતા. તે વખતે તેમણે વિદ્વાન્ સંતોનો સદ્‌બોધ સાંભળ્યો હતો અને સંગીતકલાવિશારદ સાધુશ્રી કૃષ્ણદાસજીના મુખેથી હરિકીર્તનો સાંભળવાનો લાભ મેળવ્યો હતો. શ્રી. મૂળચંદભાઈ આ સિવાય, ઉપર કહેલા લેખમાં બીજી પણ માહિતી આપે છે કે, કૉલેજના પ્રિન્સિપાલની સૂચનાને માન આપીને તે ૧૮૮૮ના ઉનાળાની રજાઓ દરમ્યાન મહાબળેશ્વર ગયા હતા અને તેમની સાથે, એક જ બંગલામાં વડિયાના મર્હૂમ બાવાવાળા પણ રહ્યા હતા.

કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમયે શ્રી ત્રિભુવન જગજીવન જાની કલાપીના ખાનગી શિક્ષક તરીકે કામ કરતા હતા.


  1. ૧. ઠાકોરશ્રી સુરસિંહજી: કેટલાંક સ્મરણો. શ્રી મૂળચંદ આશારામ શાહ, ૧૧ મા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનનો હેવાલ