આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬]
કલાપી
 

અમારા ઘેાડા તો ચાલ્યા ગયા, પણ રસ્તામાં બે એકાના ઘોડા બેસી ગયા, તેથી ત્રણ માણસને જરા લાગ્યું છે. આ બંગલામાં આવી ઢોલીયા મંગાવ્યા, અને એક મજૂરને કહ્યું કે તરત તે બજારમાંથી જમવાનું લઈ આવ્યો. કાલ દિવસ આખામાં માત્ર રાતના સાડા આઠ વાગે ખાધું. મરીમાં સવારે રસાઈ કરી. પણ ઘી ચરબીનું હતું, અને હું ગોસ્ત ખાતો નથી. વઢવાણથી નીમ લીધું છે.....કે મુસાફરીમાં દારૂ કે ગોસ્ત ન વાપરવાં. તેથી રોટલી કે કાંઈ ખાધું નહિ. વળી ઘી એવું ગંધાતું હતું કે કોઈ ખાઇ શક્યું નહિ. માત્ર ચ્હા પીધો. રસ્તામાં ચાર વાગે રૂગવાડી નામની એક જગ્યા છે ત્યાં છ ઝુંપડાં છે ત્યાંથી ગોળની રેવડી અને મકાઈના ડોડા લીધા અને તે ખાધા. રાત્રે વાળુમાં પટાટાનું કાચું શાક, મૃક નામનું ફળ થાય છે તેનું અથાણું અને ખોરી મીઠાઈ ખાધી. આજે રગ અને ધડકી સાથે રાખ્યાં હતાં તેથી ધડકી પાથરી અને રગ ઓઢી સૂઈ ગયા. રાતના સાડા અગીયાર વાગે માણસો આવ્યા. એમને માટે અમે ખાવાનું મંગાવી રાખ્યું હતું, તે ખાઈ, બધા હેરાન હેરાન થઇ ગયા હતા તેથી સૂઈ ગયા. સવારે ઉઠી, તંબુ ખોડાવી રસોઈ શરૂ કરાવી. હમણાં સાડા નવ થયા છે. રસોઈ થાય છે. મે આવે છે. અમે ૧૧ વાગે ચાલી ઈશ્વરની ઈચ્છા હશે તો દુમાલે સાંજે જશું. મે આવે છે, અને સપાટાબંધ વરસે છે. જો મે બંધ નહિ થાય તો વળી રબરનાં કપડાં પહેરી પલળતાં ચાલ્યું જવું પડશે. રસ્તામાં ખાઇમાં જેલમ નદી ચાલી જાય છે એ એવી ગાજે છે કે કાંઈ સંભળાતું નથી... ......કોઈ વખતે મોટાં લાકડાં તણાતાં જાય છે. વાદળાં ચારેકોર આવી ગયાં છે. તેથી બહુ જ અંધારું થઈ ગયું છે. નદી એટલી બધી બોલે છે કે જ્યારે ચાકરને લાવવો હોય છે ત્યારે સીટી વગાડીએ છીએ. મેં મારા ઘડીયાળના અછોડા સાથે એક સીસોટી ટીંગાડી દીધી છે. [૧]


  1. ૧. કોહાલા, તા. ૨૫-૧૦-૯૧.