આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજવી કવિનું ગૃહજીવન
[ ૪૩
 


લગ્ન થયા પછી એક મહિના પછી જ કલાપીએ રમાને લખ્યું હતું : 'તમારે બંનેએ એક જ માની બે દિકરી માફક વર્તવું, અને આનંદથી સાથે રમીજમી વખત કાઢી નાખવો.

'તમારી બેનને ભણાવવું જેમ બને તેમ જલદીથી શરૂ કરજો. પહેલવેલી ‘મેવાડની જાહોજલાલી’ વંચાવજો અને શુદ્ધ લખતાં શીખવવામાં પૂરેપૂરૂં ધ્યાન આપજો. કારણ કે કાના માત્રની બહુ જ ભૂલો પડે છે.’[૧]

કોટડાંવાળાં રાણી પહેલાં પોંખાયાં હતાં એટલે તે પટરાણી ગણાય. પણ આ પ્રમાણે નાના મોટાનું અભિમાન રાખવાથી ‘ઇતરાગ’ થાય અને એ ઇતરાગ કલાપીને જોઇતો ન હતો તેથી તેમણે બન્નેને સમાન હોવાનું અને સમાન છે એમ સમજીને એ રીતે જ રહેવાનું સમજાવ્યું હતું.

૧૮૯૦માં રમાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ હરિબા પાડવું ઘટે તો પાડજો એમ કલાપીએ લખ્યું હતું.

બન્નેને સમાન ગણવાનો મનથી નિશ્ચય હોવા છતાં અને તે રીતે વર્તવાનો પ્રયાસ કરવા છતાં કલાપીનું મન રમા તરફ શરૂઆતમાં વધારે હતું, અને પછી તે શોભના તરફ ઢળ્યું.

આર્યાવર્તનો પ્રવાસ અધૂરો મૂકી કલાપી રમાની માંદગીનો તાર આવવાથી મુંબઇથી ૧૧મી માર્ચે રોહા જવા નીકળ્યા. સમુદ્રમાર્ગે મુંબઈથી નીકળી તે કચ્છના માંડવી બંદર ઊતર્યા, અને ત્યાંથી રોહા ગયા. રોહામાં તે લગભગ બે માસ રહ્યા, અને ત્યાર પછી ૧૫મી મેએ રોહા છોડી રોહાવાળાં રાણી સાહેબ સાથે ૨૨મી મેએ લાઠી આવ્યા. રોહામાં બીજી એપ્રિલ ૧૮૯૨ના રોજ કલાપીનાં બીજાં કુંવરીનો જન્મ થયો હતો.

કલાપીને એકાંતવાસ ઘણો પ્રિય હતો, તેથી હવે પછીનો


  1. ૧ તા. ૪−૧−૯૦