આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના

લાપી’નું આ જીવનચરિત્ર કેટલાકને કદાચ ઘણું ટૂંકું લાગશે. પરંતુ કલાપીના જીવન વિશેનાં વિશ્વાસપાત્ર સાધનો અતિશય અલ્પ છે. એક બાબતનો નિર્ણય કરવા માટે પણ ઘણાં સાધનો તપાસવાની અને તેની તુલના કરવાની જરૂર રહે છે. છતાં, આ પુસ્તક લખાઈ રહ્યા પછી કેટલીક વધારે વિગતો પ્રાપ્ત થઈ છે, અને હજુ તેમાં ઉપયોગી ઉમેરો થવાનો સંભવ છે; પણ તે સર્વે, બીજી આવૃત્તિ ઉપર મુલતવી રાખું છું.

'સ્ત્રીજીવન'ના તંત્રી શ્રી. મનુભાઈ જોધાણીએ આ પુસ્તક માટેનાં કેટલાંક અત્યંત ઉપયોગી સાધનો પૂરાં પાડી મને ઉપકૃત કર્યો છે. વળી વઢવાણની સ્ટેટ કાઉન્સિલના મેમ્બર શ્રી. ભોળાનાથભાઈ ઠાકર બી. એ., એલએલ. બી. એ તેમના પિતામહ સ્વ. રા. બ. પ્રાણજીવનભાઈની રોજનીશી મને વાંચવા આપી અને આ પુસ્તક માટે ઉપયોગી માહિતી લેવાના રજા આપી તે માટે હું તેમનો ઋણી થયો છું. ‘આર્યાવર્તનો પ્રવાસ’ એ પ્રકરણમાં આ સાધનનો ખાસ ઉપયોગ કર્યો છે.

‘કલાપી’ના જીવન વિશેનું આ પ્રથમ જ પુસ્તક છે, એટલે તેમાં કેટલીક ખામીઓ રહી જવાનો સંભવ છે. તેમના સમકાલીનો પોતાના અનુભવનો અને અભ્યાસીઓ પોતાના અભ્યાસનો લાભ મને લખી જણાવીને આપશે તો તે સુધારાવધારાના મહત્ત્વના પ્રમાણમાં આની બીજી આવૃત્તિનો પ્રસંગ કદાચ વહેલો પણ આવે.

સરસ્વતી સોસાયટી,
અમદાવાદ-૭
તા. ૫-૨-૪૪

}

નવલરામ ત્રિવેદી