આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[ ૪૯
 


પણ પોતાના હૃદયને ફેરવવા અથાક પ્રયાસ કર્યો પણ તે સર્વ મિથ્યા ગયું.

પોતે અન્ય સ્ત્રીને હૃદયમાં સ્થાન આપનાર જ નથી એ કલાપીનો નિશ્ચય હવે બદલાવા લાગ્યો. કલાપીએ બન્નેને સમાન રીતે ચાહવાનો નિશ્ચય મન સાથે કર્યો, પણ રમાને તેની પ્રતીતિ કેવી રીતે કરાવી શકાય? છેવટે ત્યાગના સંકલ્પથી પ્રેરાઈ શોભનાને હૃદયમાંથી કાઢી નાખવાનો નિશ્ચય કર્યો, પણ શોભનાને કાઢી નાખવા જતાં તો રમા અને આખું જગત હૃદયમાંથી નીકળી જતું લાગ્યું. કાંતો બન્નેને ચાહે અથવા કોઇને નહિ એવું થઈ ગયું.

પોતાના મનને મનાવવા કલાપીએ કરેલા પ્રયાસો 'ભરત' અને 'બિલ્વમંગળ' એ કાવ્યમાં સરસ રીતે દેખાય છે. મૃગમાં આસક્તિ ખોટી છે એમ માનનાર ઋષિને કવિ સલાહ આપે છે: 'રમાડ તેને પણ લુબ્ધ ના થજે.' અને 'બિલ્વમંગળ'માં કહે છે કે આ જગતનો પ્રેમ તો મિથ્યા છે, માટે જે સર્વદા રહેનાર છે તેને શોધી લે; પ્રિયાનો પ્રેમ તજી પ્રભુનો પ્રેમ ગ્રહણ કર.

આ પ્રમાણે નીતિ અને પ્રેમના ખેંચાણમાં બે વર્ષ નીકળી ગયાં. નીતિ જીતી અને બન્ને પવિત્ર રહ્યા.

[૧]આ સમય દરમ્યાન એક સવાલ કલાપીના મનમાં અધ્ધર જ રહ્યો હતો. પ્રેમમાં શરીરસંબંધ કાંઇ અગત્યનું તત્વ છે? એ ઈચ્છા કલાપીને થતી હતી, પણ તે કોઈ દિવસ પૂરી કરી શક્યા ન હતા, કારણ હૃદય તેને પાપ સમજતું હતું. શોભનાને પુત્રી, બહેન તરીકે ચાહતી વખતે રમાને કાંઈ અપરાધ થતું હોય એમ લાગતું નહિ, પણ હૃદય જ્યારે કામદૃષ્ટિ કરતું ત્યારે આવું લાગતું. જાણવાલાયક વાત એ છે કે બુદ્ધિ તો આમાં પાપ નથી એમ માનતી, પણ હૃદય જ ખેંચાતું, અને પછી હૃદય જ પાપ છે એમ માનીને પાછું પડતું.


  1. ૧ મણિલાલ નભુભાઈને પત્ર
    શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૨૫ થી ૨૯