આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






પ્રકરણ ૬ ઠ્ઠું
મુમુક્ષુ રાજવી

ઈ. સ. ૧૮૯૫ના જાન્યુઆરીની એકવીસમી તારીખે સુરસિંહજીને લાઠીનું રાજ્ય સોંપાયું.[૧] તેમનું વલણ વૈરાગ્ય તરફ નાનપણથી જ હતું, એટલે રાજા તરીકે તે ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડ્યા હશે તેમ સામાન્ય અનુમાન દોરાય. વળી તેમણે પોતાનાં લખાણોમાં પણ રાજ્યખટપટ તરફ અને રાજ્યની જંજાળ તરફ તિરસ્કાર દર્શાવ્યો છે એટલે આવી માન્યતા ફેલાવાનો વધારે સંભવ છે. પણ, પ્રમાદી, કોઈપણ પ્રકારની આવડત વિનાના, વ્યસની અને મૂખ તથા સ્વાર્થી પાસવાનોથી ઘેરાયેલા અનેક રાજાઓથી અલંકૃત થયેલા આપણા દેશમાં, સુરસિંહજી ગમે તેટલા વૈરાગ્યવૃત્તિવાળા હોય છતાં મહાન રાજ્યકર્તાના પદને લાયક ગણાવા જોઇએ. તેમણે પોતાની આસપાસ ઉચ્ચ વિચારના અને ચારિત્ર્યવાન માણસો એકત્ર કરવા કાળજી રાખી હતી. રાજ્યકારભારનો અભ્યાસ કરવા દરકાર રાખતા હતા.


  1. ૧ કાન્તે તેમના ટૂંકા પણ ઉપયોગી જયંતી વ્યાખ્યાનમાં આ વિશે કાંઈ કહ્યું નથી. રૂપશંકર ઓઝાએ ત્રીજી સાહિત્ય પરિષદમાં વાંચેલ વિસ્તૃત નિબંધમાં જાન્યુઆરી ૧૮૯૫ લખ્યું છે, પણ શ્રી. કલાપીની પત્રધારામાં શ્રી. સરદારસિંહજી રાણા ઉપર તા. ૧૧−૧−૯૫ ના રોજ લખાયેલ પત્ર મૂક્યો છે તે ઉપરથી અનુમાન દોરી આ તારીખ લખી છે. તેમાં લખ્યું છે: 'ચાલતા માસની તારીખ ૨૧ મીએ રાજ્ય સોંપવાનું નક્કી થઈ ગયું છે.' પૃ. ૩૧૩