આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૬૭
 

કરવાની લાગતી હતી. કોઇને શિક્ષા કરતાં તેમના મનને ઘણો ખેદ થતો. એક માણસને પાંચ છ વર્ષની કેદ આપવી પડે એ વિચાર જ તેમને ત્રાસ આપતો હતો. હૃદય કઠણ બની જાય ત્યારે આવો ખેદ થતો નથી એમ કહેવાય છે, એ વાત સ્વીકારતાં જ સુરસિંહજીના કવિહૃદયને વાજબી રીતે જ ખેદ થાય છે કે હૃદયની કોમળતા ચાલી જાય એથી વધારે મોટી શિક્ષા બીજી કઈ હોઈ શકે ? એટલે ખરું જોતાં શિક્ષા કરનારને શિક્ષા ખમનારના કરતાં પણ વધારે સહન કરવું પડે છે. કુદરતનો કેવો નિષ્પક્ષપાતી ન્યાય !

સારા માણસો રાખવાથી રાજ્યકારભાર સારી રીતે ચાલી શકે એ શિખામણના જવાબમાં તેમણે લખ્યું છે: ‘માણસ સારાં–જોઇએ તેવાં–ગાયકવાડ સરકાર જેવાને ન મળી શક્યાં તો મારા જેવો ખંડીઓ શી આશા રાખે ? ઇતિહાસમાં પણ એ જ નિરાશા છે. અકબર પછી પૂરાં યોગ્ય માણસો કોઇને મળ્યાં નથી.’[૧]

સુરસિંહજી જેવા બુદ્ધિશાળી, વિચાર કરનાર અને સ્વતંત્રતાપ્રિય સ્વભાવના રાજવીને અંગ્રેજ સરકારે રાજાઓના હાથપગ બાંધી લીધા છે એ ભાન સતત પીડા આપતું હતું. દેશી રાજાઓ બહુબહુ તો પોતાની થોડીક સંખ્યાની પ્રજાને શુદ્ધ ન્યાય આપી શકે અને જીન, પ્રેસ એવાં કારખાનાં કાઢી લોકોને રોજગાર આપી શકે−પણ આવું કામ તો કોઈપણ સાધારણ વેપારીએ કરી શકે. આ ઉપરાન્ત વેપાર, ખેતીવાડી અને કેળવણીની વૃદ્ધિ કરી શકાય. પણ આવી નાની બાબતો સુરસિંહજીના મનને સંતોષ આપી શકતી નહિ. રાજ્ય ચલાવવાની અને રાજ્ય ટકાવી રાખવાની શક્તિ પ્રજાને આપી શકાય તો કાંઈકે રાજ્ય કર્યું એ પ્રમાણ, એવા ઉચ્ચ આશયો સુરસિંહજી સેવતા હતા. પણ આ સર્વ તો સ્વપ્ન જ હતાં.

મણિલાલ નભુભાઈની સલાહ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે લેવાતી જ હતી, પરંતુ કોઈ પ્રહ્‌લાદજીભાઈએ મણિલાલને લાઠી


  1. ૧ મણિલાલને પત્ર : 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૭−૧૮