આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ ]
કલાપી
 

રાજ્યમાં નોકર રાખવાની સૂચના કરી. પણ સુરસિંહજીને વાજબી રીતે જ આ અભિપ્રાય સ્વીકારવા લાયક લાગ્યો નહિ. મણિભાઈ તરફ તેમને એટલી બધી ભક્તિ હતી, એમના વ્યક્તિત્વે તેમના ઉપર એવું જાદૂ કર્યું હતું, કે તેમના ઉપરી તરીકે તો શું પણ સાથી તરીકે પણ સુરસિંહજીથી કામ થઈ શકે તેમ ન હતું. વળી મણિભાઈ જેવા રસ્વતંત્ર અને મહાન આત્માને કાઠિયાવાડની સંકુચિત રાજ્યખટપટમાં નાખવા એ તેમને મોટા પાપ જેવું લાગતું હતું. વળી તેમને લાગ્યું કે ક્યાં મણિભાઈનો સ્વતંત્ર આત્મા, અને ક્યાં ચારે બાજૂએ પરતંત્રતાથી જકડાયેલું કાઠિયાવાડનું નાનકડું રાજ્ય !

એટલે મણિલાલ લાઠી રાજ્યમાં પ્રત્યક્ષ ભાગ લે એવું કાંઈ બન્યું નહિ. પરંતુ તેમની સલાહ તો હમેશાં લેવાયાં જ કરતી હતી. તે અનુસાર સુરસિંહજીએ રાજ્યકારભાર ચલાવવા માંડ્યો અને વહીવટખાતું તથા ન્યાયખાતામાં બનતા સુધારા કર્યા. વળી નીચે પ્રમાણે કાર્યક્રમ કર્યોઃ ‘માસમાં બે વખત મુકરર કરેલા દિવસોએ કારખાનામાં કામદાર સાથે જોવા જવું. માસમાં બે વખત મુકરર કરેલા દિવસે ઘોડા ઉપર એકલા ફરવા જવું અને ફરતાં ફરતાં કોઇને પણ તેની સ્થિતિ સંબંધી જુદી જુદી વાતો પૂછવી. આ વખતે ગામડાંઓમાં પણ ફરી આવવું. ત્યાં જરા બેસવું, પટેલો સાથે કાંઈ વાતો કરવી. ડીસ્પેન્સરી, સ્કુલો, ઓફીસોની ઓચિંતી મુલાકાતો લેવી, વર્ષમાં એક વખત બધાં ગામોમાં એકલા જઇ લોકોની અરજીઓ લેવી.’[૧] આ પ્રમાણે એક દિવસે તે એકલા ફરવા નીકળ્યા હતા ત્યારે વાડીઓમાં કણબીઓને મળ્યા. તેમની સાથે ખૂબ વાતો કરી તેમના કવિ હૃદયને આ ગરીબ અને ભોળા ગામડિયાઓ સાથે વાતો કરવામાં ઘણો આનંદ પડ્યો. એક કણબીએ કહ્યું: 'અમારો રાજા કામમાં કાંઈ ધ્યાન આપતો નથી એમ સૌ માને છે. પણ અમને આમ પૂછતો હોય તો પછી અમારે બીજું શું જોઈએ ?[૧]


  1. ૧.૦ ૧.૧ ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'