આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૭૧
 

સુરસિંહજી અને રાજ્યના સર્વ અમલદારો આ દુષ્કાળનિવારણના કામમાં લાગી ગયા હતા. તે માટે એજન્સી પાસેથી ચાર ટકાના વ્યાજે એક લાખ ઉપરાન્ત રૂપિયા લેવા પડ્યા હતા. 'બધી મુશ્કેલી વેઠીને પણ, એક પણ માણસ આ રાજ્યમાં ભૂખથી ન મરે તો પ્રભુનો મ્હોટો ઉપકાર.' ગરીબ માણસોને રોજી આપવા માટે બે તળાવ ખોદાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખા રાજ્યમાં બધાં મળી કેટલા માણસો છે, અને તેમાંથી કામ કરી શકે તેવાં કેટલાં છે, અને કેટલાંને ઘેર બેઠાં ખાવાનું આપવું પડે તેમ છે તેની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી હતી. તે જ પ્રમાણે બળદોની યાદી પણ કરવામાં આવી હતી. ખેડૂતોનાં જાનવરો ભૂખે મરવાનો ભય ન હતો, કારણ રાજ્યમાં ઘાસ હતું અને વાડીઓમાં રજકો પણ ઘણો થાય તેમ હતું. ગોવર્ધનરામે રાજ્ય માટે ધારા ઘડી આપ્યા હતા તેનો અમલ તુર્ત જ કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ડેપ્યુટી કારભારીની જગ્યા કાઢી નાખવામાં આવી. દુષ્કાળ માટેનું ખર્ચ જુદું રાખતાં ત્રાણું હજારનું બજેટ થતું હતું, તેમાં પણ ઓછું કરવાનો વિચાર સુરસિંહજી રાખતા હતા. તેમને લાગતું હતું કે દુકાળથી ઘણી મુશ્કેલી વેઠવી પડશે, પણ તેના અનુભવથી ઘણો ઉપયોગી બોધ પણ મળશે એમ ખાત્રી હતી. 'પ્રભુનો માર્ગ સારો જ હશે.'

'રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝુલતું હતું' એ ભરતને માટે લખેલા શબ્દો તેના લેખકને પણ બરાબર લાગુ પડે તેવા છે. ઉપર લખ્યા પ્રમાણે દુષ્કાળનિવારણના કામમાં ખંતથી લાગી રહેલા સુરસિંહજીનું મન વારંવાર વૈરાગ્ય તરફ ખેંચાયા કરતું હતું. અને તેમણે કેટલાક મહિના પછી પોતાનો એ વિચાર પોતાના કારભારી ગિરધરદાસ મંગળદાસ દેસાઈ ઉર્ફે તાત્યા સાહેબને સ્પષ્ટ રીતે જણાવી પણ દીધો.

તે વિશે લખતાં પહેલાં સુરસિંહજીનો પોતાના આ કારભારી સાથેનો સંબંધ કેવો હતો એ સમજી લેવાની જરૂર છે.