આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી'નું સ્નેહીમંડળ
[ ૮૧
 

મણિલાલના મૃત્યુ પછી કલાપીએ ગવર્ધનરામને પોતાના ગુરુના સ્થાને મૂક્યા હતા. પણ તેમની પાસે ફક્ત અભ્યાસ અને રાજ્યકારભાર સંબંધમાં જ તે દોરવણી માગતા હતા. તેમણે પોતાના ગૃહસંસારની બાબતો ગોવર્ધનરામ પાસે મૂકી ન હતી. કારણ મણિભાઈ તરફ જેવી સ્નેહની લાગણી હતી તેનો અહીં અભાવ હતો. પરંતુ તે સમયના સર્વ ગુજરાતી સાહિત્યપ્રેમીઓની માફક કલાપીને પણ ગોવર્ધનરામ પ્રત્યે અસાધારણ માન હતું.

ગોવર્ધનરામ જૂનાગઢથી વળતાં લાઠી રોકાયા હતા, અને કલાપી પણ ઈ. સ. ૧૮૯૭માં મુંબઈમાં બે વખત ગોવર્ધનરામને ત્યાં મળવા ગયા હતા. પહેલી વાર તે મળવા ગયા ત્યારે 'આપણે ઘેર રાજા આવવાના છે'[૧] એમ કરી ઘરને શણગારાવવાનો ખાસ પ્રયાસ ઘરનાં માણસોએ કર્યો હતો તે જોઈ કલાપી બીજી વખત અગાઉથી ખબર આપ્યા વિના જ ગયા હતા, કારણ ગોવર્ધનરામ જેવાને પોતાની ખાતર જરા પણ તસ્દી લેવી પડે તે કલાપીના સરળ સ્વભાવને ગમતું નહિ.

કાન્ત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ સાથે કલાપીને પ્રમાણમાં મોડો પરિચય થયો. ચાવંડ, જ્યાંના મણિશંકર વતની હતા, તે ગામ લાઠીની પાસે જ આવેલું છે, અને ત્યાં જવા માટે લાઠી જ રેલ્વે સ્ટેશન છે. વળી કલાપીના લગ્ન વખતે લાઠી મેનેજર આશારામભાઈના પુત્રોના મિત્ર તરીકે મણિશંકર આવ્યા હતા, અને તેમની વચ્ચે એાળખાણ પણ થઈ હતી. પરંતુ એ એાળખાણ નામની જ હશે એમ લાગે છે. તેમની વચ્ચે મૈત્રીનો સંબંધ ત્યાર પછી લગભગ આઠ વર્ષે બંધાયો. તા. ૨૬–૧–૯૭ના એક પત્રમાં મણિશંકરે પોતાના મિત્ર પ્રો. બલવંતરાય ઠાકોરને લખ્યું હતું: 'લાઠી ઠાકોર સાહેબ એક ઉત્તમ કવિ છે, અને અમે પહેલી ક્ષણે જ અન્યોન્ય મિત્ર બન્યા છીએ. એમના વિશે ઘણી ઘણી બાબતો એવી


  1. ૧ 'શ્રીયુત ગોવર્ધનરામ'