આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી'નું સ્નેહી મડળ
[ ૮૭
 

કર્યું છે. પ્રથમ તેમણે 'કલાપીના સંવાદો' પ્રકાશમાં મૂક્યા, અને 'કેકારવ'ની પ્રસિદ્ધિમાં બની શકી તેટલી મદદ કરી. 'કલાપી ગ્રંથાવલી’ની એક વિસ્તૃત યોજના તેમણે ઘડી હતી, અને તે પ્રમાણે કલાપી–સાહિત્યનાં વીશેક પુસ્તકો પ્રકટ કરવા મુંબઈમાં કાર્યાલય ખોલ્યું. આ કાર્યાલય મારફત 'કાશ્મીરનો પ્રવાસ', 'કલાપીના સંવાદ' અને 'કલાપીનું સાક્ષરજીવન' નામનો પોતાના ઉપર કહેલો વિસ્તૃત નિબંધ સુધારાવધારા સાથે–એટલાં પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યાં, પણ પછી આપણા સાહિત્યના દુર્ભાગ્યે કેટલાંક કારણોથી એ યોજના પડતી મૂકવામાં આવી.

સંચિત્‌નું અવસાન ૬૬ વર્ષની વયે ઈ. સ. ૧૯૩૨માં થયું. અવસાન પહેલાં તેમણે કલાપીના કુમારશ્રી જોરાવરસિંહજીએ પ્રસિદ્ધ કરેલ અમૂલ્ય ગ્રંથ 'શ્રી. કલાપીની પત્રધારા'નો ઉપોદ્‌ઘાત લખ્યો હતો તે તેમનું કલાપી વિશેનું છેલ્લું લખાણ છે.

મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરનું પુસ્તક 'કલાપીનો વિરહ' જેટલું જાણીતું થવું જોઇએ તેટલું થયું નથી, એ સાચી કવિતાની આપણા વાંચકોમાં કેટલી ઓછી કદર છે તેનો પુરાવો છે. ત્રિભુવન પ્રેમશંકર મહુવાના વતની હતા. તેમનું કાવ્ય 'વિભાવરી સ્વપ્ન' રમણભાઈની પ્રશંસા પામી શક્યું હતું. તેમનું બીજું કવિતાનું પુસ્તક 'સ્વરૂપ પુષ્પાંજલિ' પણ વાંચવા લાયક છે. પરંતુ તેમનો શ્રેષ્ઠ ગ્રંથ 'કલાપીનો વિરહ' છે. મસ્તકવિ વેદાન્તી હતા, અને આ ગ્રંથમાં તેમણે શાંકરવેદાન્ત ભજનના ઢાળોમાં સમજાવ્યું છે. કવિશ્રી નાનાલાલે પોતાની વિશિષ્ટ શૈલિમાં મસ્તકવિનું રેખાચિત્ર થોડા શબ્દોમાં પણ આબેહૂબ દોર્યું છે. 'જાણે યાળ ઉછાળતો સિંહનો બાળકો; શિલા સમો બાંધી દડીનો દેહસ્તંભ; કેસરી સમો અલમસ્ત અને મલપતો, પીચ્છ છટા જેવા એના હાથ ઉછળે, વનરાજના હુંકાર સમી એની કાવ્યઘોષણા પણ ગાજે.'[૧] કલાપી મસ્તકવિને


  1. ૧. 'કલાપીનો સાહિત્યદરબાર: સ્ત્રીબોધ, માર્ચ, ૧૯૩૮