આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ ]
કલાપી
 

માસિક દસ રૂપિયાનું પેન્શન આપતા હતા અને વડિયાના બાવાવાળા પાંચનું. કલાપીએ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને મસ્તકવિને આવી મદદ આપવા પત્ર લખી જણાવ્યું હતું, કારણ તે ભાવનગરના પ્રજાજન હતા એટલે તેમના પર આ કવિનો પ્રથમ હક્ક હતો. મસ્તકવિનો પરિચય આપતાં કલાપીએ લખ્યું હતુંઃ 'કોઇને પણ સખ્ત સત્ય કહી શકે, કદીપણ અંતઃકરણની ઉચ્ચ ભાવનાથી ન ડગે એવું ચરિત્ર આ કવિમાં દુનિયાદારીમાં મેં પ્રથમ જ જોયું છે. અને તે ગરીબ બ્રાહ્મણ કોઈપણ રાજાનો મિત્ર થવા યોગ્ય છે એમ મને સમજાયું.'[૧]

મહુવાના બીજા બે વતનીઓનો પણ કલાપીના મિત્રમંડળમાં સમાવેશ થતો હતો. ફૂલચંદ જો મારી સ્મરણશક્તિ દગો દેતી ન હોય તો, એક ખોજા ગૃહસ્થ હતા, પણ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના રસિયા હતા. મસ્તકવિ ત્રિભુવને પોતાનું પુસ્તક 'સ્વરૂપ પુષ્પાંજલિ' ફૂલચંદને અર્પણ કર્યું છે.

'જટિલ' એટલે જીવણરામ લક્ષ્મીરામ દવે એ સમયમાં કવિ અને વિવેચક તરીકે સારી પ્રતિષ્ટા પામ્યા હતા. તેમણે કલાપીનાં કેટલાંક કાવ્યો પર, તે પ્રસિદ્ધ થયાં ત્યારે, વિવેચન લખ્યું હતું. તે મહુવાની મિડલ સ્કૂલના હેડમાસ્તર હતા. અહીંથી રજા લઈ તેમણે કલાપીના મંત્રી તરીકે કેટલોક સમય કામ કર્યું હતું, અને પછી કલાપીએ તેમને પેન્શન બાંધી આપ્યું હતું. 'હમીરજી ગોહિલ' લખવામાં તેમણે કલાપીને સારી મદદ કરી હતી. તેમનાં કાવ્યો 'જટિલ પ્રાણપદબંધ' એ નામથી પ્રસિદ્ધ થયાં હતાં. હરિલાલ ધુવના મૃત્યુ પછી 'જટિલે' કેટલોક સમય 'ચંદ્ર'ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું.

કુંડલાના પ્રશ્નોરા શાસ્ત્રી પ્રભુલાલ પ્રભાશંકર સાથે કલાપી સંસ્કૃત કાવ્યો વાંચતા અને સમજતા. પ્રભુલાલ શાસ્ત્રી ભાગવતના રસિયા હતા અને મેઘદૂતના ઘનપાઠી હતા. પણ કલાપીના અવસાન


  1. ૧. 'કલાપીના પત્રો’