આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રણય ઘસડે તોડી દેવા અહો સહુ પિંજરાં!
ફરજ ઘસડે કેદી થાવા અને મરવા દુઃખે!
ફરજ હતી આ,પેલી પ્રીતિ! રહ્યું રડવું હવે!
ફરજ લડતી પ્રીતિ સાથે! રહ્યું મરવું હવે!

શરણ પ્રણયી આવે તેને રખાય અરે નહીં!
શરણ પ્રણયી આવે તેને કઢાય નહીં વળી!
વચન પ્રિયને આપેલું,'હું થઇશ ન અન્યનો'
વચન પ્રિયનું પાળે તેથી મરે દુઃખી દિલ કો!

અરે! શાને આવો અધવચ રહે તું લટકતો?
હજુ જા ઊંડો તો પડ સહુ તહીં તૂટી પડશે!
વિભાગો કીધાથી પ્રણય ન ક્દી ન્યૂન બનતો,
અને તેથી, ભાઇ, પ્રણય પ્રભુ છે આ જગતનો.

આ વિચાર મહીં યુવાન દિલ એ ઝૂકી રહેલું હતું,
તેના તાર બસૂર સર્વ બનીને કમ્પી રહેલા હતા;
ઓહો! એક ઘડી રહી, પલ રહી, તે કાં ઢળે કે મરે!
તોડે પિંજર એક આ ક્ષણ મહીં, ના તો કદી એ નહીં!

કાર્ય છે સિન્ધુનું મોજું, ઘા છે કે ગતિ કાંઇ છે;
આમ કે તેમ કીધું તે કીધું ને તે થઇ ગયું!

થયું ને કીધું તે કદિ પણ બને ના 'નવ થયું'!
ક્ષણે કીધેલું તે જીવિતભર સાલે જિગરને!
અચમ્બો લાગે છે, સમજણ પડે ના ક્યમ થયું!
ઘણી વેળા પોતે દિલ પણ ઠગાયું સમજતું!

ઠગાવું જો હોય નિર્મ્યું ઠગાવું તો ભલે સુખે;
પરન્તુ જાય છે ખેંચી હૈયું તો તો જવું પડે!

કરે જો કાંઇ સુખથી કરજે ને સુખી થજે,
પરંતુ કાંઇ ઢચુપચુ રહીને કરીશ નાઃ
કરે છે સાચું તું જરૂર સમજી એમ કરજે,
નહીં તો પસ્તાવો દુઃખમય અગાડી બહુ થશે.

ફરજ ને પ્રીતિને તું દોરજે એક માર્ગમાં:
ધર્મથી પ્રેમ જુદો ના,ફરજ એ જ પ્રેમ છે.
                 * * *

કલાપીનો કેકારવ/૧૫૪