આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રે! વેળાથી ચડતીપડતી કાંઈ પ્રેમે ય થાતી!
કમ્પે છે આ, સ્થિર નવ રહે સર્વ બ્રહ્માંડ, વ્હાલી!

વીણા તારો સ્વર શરૂ કરી અન્ત્ય વિરામ પામે,
કમ્પે પાછા નિપુણ કરનો કમ્પ ને સ્પર્શ થાતાં.

રે! ભૂંસાતી દિલ પર પડી છાપ એ કમ્પસ્પર્શે,
ભૂંસી દેવું, ફરી ચિતરવું એ જ છે ચિત્ર આંહીં!
ઓહો! આવા નીરસ રસમાં વિશ્વને તું વહેતાં,
ત્હારૂં મ્હારૂં જીવિત સરખાં, પ્રેમ કાં સંભવે ના?

મ્હારી થા તું ફરી ઉછળને રેતનાં એ પડોથી,
ના છાજે આ સલિલ મધુરૂં ધૂળમાં રોળવાનું;
હું સંયોગે કટુ થઈશ તું ત્હોય હું નાથ ત્હારો,
રે રે વ્હાલી! નવ મળી શકે ઐક્ય કો અન્ય સ્થાને.

૨૪-૪-૧૮૯૬

વૃદ્ધ ટેલિયો*[૧]

પડી'તી ડાંગ લાંબી ત્યાં ડોસાના પગ આગળે,
બેઠો'તો માર્ગની પાસે શિલા એક પરે નમી,

કનેના એક ખંડેરે દૃષ્ટિ સ્નિગ્ધ હતી ઢળી;
શ્વેત એ પાંપણો નીચે છુપાં અશ્રુ ભર્યા હતાં,

જરા ધ્રુજે છે નમી શીર્ષ નીચે,
કપાસના પોલ સમું દેસે તે;
દુ:ખે દિસે છે જરી ઓષ્ઠ દાબ્યા,
દુ:ખોની રેષામય ગાલ ભાસે.

ચિતાની અગ્નિજ્વાલામાં દીધો છે પગ એક, ને
બીજો તે જો ઉપાડે તો અન્ત ત્યાં સહુ કષ્ટનો.

હું ત્યાં ગયો હ્રદય ખેદિત કાંઇ થાતાં
અશ્રુ દુ:ખી નિરખતાં હ્રદયે ભરાયાં;
તે જોઇને દુ:ખી ન રાક્ષસ કોણ થાય ? -
અશ્રુ વહે જનઉરે જન જોઈ દર્દી.

  1. ઈગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના એક કાવ્ય પરથી
કલાપીનો કેકારવ/૧૮૮