આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉડાવ્યું પક્ષી પ્રીતિનું, ઝીલ્યું સુપુષ્પ ચક્ષુનું!
કરાવ્યું સ્નાન પ્રીતિનું, કર્યું મેં પાન પ્રીતિનું!

સુધાના નીરમાં ન્હાયાં, અમે પ્રેમી રમ્યાં મ્હાલ્યાં!
પડ્યાં ત્યાં સ્નેહફાંસામાં, છૂટ્યાં તે ના, વછૂટ્યાં ના!

મદિરા નેત્રનખરાંનો પી પી ભાન ભૂલ્યો હું:
થયો હું હોલો! તે હોલી! થયો તે હું! થઈ તે હું!

પછી રતિનાવ ઝીંક્યું મેં કપાળે હાથ દઈ દરિયે!
બોળે કે બચાવે તે સુકાની પ્રાણપ્યારી છે!
૩૦-૧૧-’૯૨


અશ્રુસ્થાન


ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:
ના ઢોળ હે મન! અરે! કદિ પ્રેમસિન્ધુ:
ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:
નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ :

નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:
ના રોળ ક્ષારભૂમિમાં ફૂલડાં સુપ્રેમી:
હૈયે દબાય કદિ જો કૂમળું સુહૈયું,
રો રો ભલે ટપકતે નયને પછી તું!

રોવા ભલે વિજન કો’ કહિં સ્થાન શોધી:
આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:
જા જંગલે નિડર તું પડ વૃક્ષ ખોળે,
આંસુઝરો જલઝરે જ વરાળ બોળે!
૧૩-૧૨-’૯૨


એક પ્રેમ

હકીમ કે તબીબની તલબ નથી મને!
નફસની પરવા નથી: ન ઇશ્કની મને!

માશૂક નથી મિસ્કીન છું: જહાંગીર છું મને!
ખલ્કની તમા નથી: સુલતાન છું મને!

કલાપીનો કેકારવ/૬૮