આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ભલા ઇન્સાફ શું આપું? અરે આ દિલ છે આપ્યું!
'મગર રે! એ જિગર ત્હારૂં ગયું તે શી રીતે રાખું?'

યાચના:
'અરે! તો આમ શું ઉભી સદા ર્ હેશે લઈ ખંજર?
'કદમમાં મોત માગું તે નહીં શું આપશે દિલબર?

'નહીં તડફું, ડરે છે કાં? તું દે કાતિલ કે બોસા!
'હવા આ વાય છે બીજી! ગયો દિલબર મળે ના ના!

'જિગર આ ફાટશે, માશૂક! અને તું દેખશે ચીરા!
'રહેવા દે તું જોવું એ! જિગર ત્હારૂં કરી લેને!"

સ્વીકાર:
'ભલે તો લે મુખે ચુમ્બી! તને હું આવ ભેટું છું!
'મગર અફસોસ! દિલ આ તો નહીં ભેટે નહીં ભેટે.'

ભેટ:
'અહાહા! શી ખુમારી છે મને આવી ય આ ભેટે!
'વફા છું, તો પછી, માશૂક! જિગર પણ ભેટ એ લેશે.'

૩૦-૪-૧૮૯૬

ડોલરની કળીને

અહો! ન્હાની પાંખે મધુપ તુજ આવે લપટવા
પરન્ત એ ગાઢી મધુર સુરભે મૂર્ચ્છિત થતો!
નશામાં જાગીને તુજ તરફ કેવો ઉડી રહે?!
શકે ના આલિંગી મગજ તર દૂરે થઈ જતાં!

ભમે ગુંજી ગુંજી, તુજ મુખ નિહાળે સ્મિતભર્યું,
અહો! કેવું ખીલે! સુરભભર કેવું મહકતું!
ઇશારે ભોગીને લટુ કરી લઈને નચવતું!
હસે સન્ધ્યા સામે! અનિલલહરીથી ઝુલી રહ્યું!

અરે! માળીની છે તુજ તરફ દૃષ્ટિ પણ નકી,
પરોવી દેશે એ ચુંટી લઈ તને દોરની મહીં;
છતાં એ ત્હારૂં તો મધુર મુખડું તું હસવશે,
નકી તું જાણે છે સુરભ તુજ આ સાર્થક થશે.

કલાપીનો કેકારવ/૨૧૦