આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્હેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં,
અન્તે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;
તું ને મ્હારી પ્રિય સખી ત્યજી હું ય જાઉં કદાપિ,
એવું એ કૈં શુભ જ કરવા ઈશ ઇચ્છે કદાપિ.

રે! તો સાથે તમ હ્રદયનાં ગાળજો અશ્રુ બન્ને,
જે બાકી તે ભણી લઈ તમે આવજો સાથ બન્ને;
બાબાં! તું એ શીખીશ ફરી આ પાઠ ઔદાર્યનો, ને
મ્હારી ભોળી પ્રિય અબુધને દોરજે આ જ માર્ગે.

૩-૫-'૯૬

એક કળીને

તુજ છિદ્રિત દેહ થતી કુમળી,
લલનાહ્રદયે ચગદાઈ જતી;

તુજ પાંખ સહુ વિખરાઈ પડે
પણ સ્નિગ્ધ પરાગ ઉરે ઉભરે!

પણ માળી તને કદિ જો સૂંઘતો
તુજ મૃત્યુ થતું ક્યમ તુર્ત અહો!

તુજ મૂલ અમૂલ તણું કરતો,
કંઈ એ દુઃખ છે તુજને? કળી ઓ!

૪-૫-'૯૬

હદ

મુનાસિબ બસ હવે કરવું, નઝર હદ આ અહીં આવે;
પડ્યું ખંજર ન પાછું લે, ઝુકાવ્યું આ ન દિલ ઝૂકે.

ન કર ઘા; ઘા થશે ઊંધો! ખુદા લેશે ખૂનીનું ખૂન!
અને બદનામીનો ભારો ઉપાડે, યાર! શે ત્હારો?

સિતમગર! તું સિતમની જો નકી હદ આવી છે આ આ!
નહીં તો ઝુલ્મ સ્હેનારૂં ચડે તોફાનમાં દિલ ના.

કલાપીનો કેકારવ/૨૧૪