આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કદી દિલને ન દે દિલ તું : દીધું દિલ તો ન લે તે તું;
હૃદયનું સત્વ પીધું તેં ;હૃદયહીણો કરે તો શું?

કહે ને પ્રાણ, દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
કાપી દઉં તે નાખી હું : ન છે તેની મને પરવા!

કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;
હૃદયચીરે રૂધિર રાતું વહે છે તે તપાસી લે !

હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
હૃદય મારૂં અરીસો છે ઉઘાડી તું ભલે જો તે!
૯-૧-’૧૮૯૩


કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ

લગાડી મોહની પ્યારા! કઠિન હૈયું કર્યું શાને?
અહોહો! નાથ કપટી રે! બલિહારી ત્હમારી છે!
સ્મૃતિ છે એજ મુખડાની, ન દેખી હું દુઃખી છું રે!
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

બકું છું હું તમે માનો: જિગરમાં ઘા મને ઊંડા!
ઉમળકા આ હૃદયના હા! કહો ક્યાં ઠાલવું ફાડી!
કરો ના બૂઝ દર્દીની, ન મારો બાંધીને મ્હોડું:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

વનોમાં આગિયા ઊડે, પલક ચમકી રહે છાના:
સુપ્રેમી આગિયા જેવા, તમે તોયે પ્રભુ મ્હારા !
ન તાણો પ્રેમની દોરી, બહુ તાણે જશે તૂટી:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

હું તો આ પુષ્પ છું કુમળું, ઝર્દ આ દર્દથી કીધું:
થજો સ્વપ્ને કરુણ, વ્હાલા! હણાઉં હેતવા।ળી હું!
હતાં સાથે: ગયા ઊડી વિચારો હો! વિસારો શે?
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હેમોને છે!

જીવન આ ચંદ્રથી ઓપ્યું: શરીર પાણી પરે લટક્યું!
દુ:ખિયણ હું દુભાયેલી જીવું તો શું? મરૂં તો શું!
અમીની આંખની પ્યાસી કુમુદ આ તો ત્હમારી છે:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

કલાપીનો કેકારવ/૭૧