આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરત

ભરત ઉમ્મરે, પ્હોંચી, છોડી વૈભવ રાજ્યને,
વનમાં ગંડકીતીરે આશ્રમ બાંધીને રહ્યો.

ૐકારના રટનમાં દિન જાય ચાલ્યા,
એકાગ્ર ચિત્તથી ભજે પરિબ્રહ્મ રાજા;
આહાર કન્દફલનો કરતો સદા એ,
એકાન્ત શાન્ત સ્થલમાં સુખથી વસે છે.

હૈયું સદા સહુ પરે સમતા ધરે છે,
જેના પ્રભાવથી વને ખીલતું રહે છે;
એ યોગતેજ તરુમાં ચળકી રહ્યું છે,
તિર્યંચ ત્યાં અધિક હર્ષ મહીં ફરે છે.

જટા પીળી શીર્ષે કૃશ અવયવો ઉપર સહી,
દિસે છે તે મ્હોટી મધુર ફુલના પુંજ સરખી;
સમાધિવેલાએ જલશીકર સિક્ત બનતી,
અને એ મોતીડાં વિખરી ખરતાં કેશ પરથી.

વિભૂતિના સ્પર્શે સુરખ દિસતાં આર્દ્ર વિપુલ,
રહે ઘેરાયેલાં પ્રણવપ્રણયી દિવ્ય નયનો;
મટે તેના તેજે કુદરત તણી સૌ વિષમતા,
સુખે નેત્રો જોતાં સતત ગતિની બ્રહ્મરચના.

રે સંસારી! નિમિષભર તું ફેકજે દૃષ્ટિ આંહી,
આ દૃષ્ટિનું અનુકરણ કૈં રાખ સંસાર માંહીં;
ભોળા! ત્હારી ઘડમથલમાં શાન્ત થા શાન્ત થા કૈં,
સ્થિતિની તું ઉપર ચડી જો ત્યાગની દૃષ્ટિ આંહીં.

આ ત્યાગીનાં નયન ફરીથી જોઈ લે એક વાર.
શું તેમાં ના સતત વહતી પ્રેમની એક ધાર?
હા! તૈયારી સહુ અરપવા ત્યાગમાં એ નથી શું?
બીજાનાં કૈં દુખથી ગળી એ નેત્ર જાશે નહીં શું?

તપસ્વીના આ તાપમાં રહી છે
મહા દયાની અતિ તીવ્ર રેખા;

કલાપીનો કેકારવ/૨૩૫