આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફૂલો લતા ને તરુ, મેઘ માંહીં
આનન્દ પીતાં નયનો સદા છે.

પ્રભાતકાલે નભની સુનેરી,
સન્ધ્યા સમેની સરની લહેરી,
વાયુ તણા શીતલ ગન્ધથી એ
આભાર હૈયું ઋષિનું દ્રવે છે.

સન્ધ્યાકાલે પ્રભાતે એ તપસ્વી નદીએ જતો,
સ્નાનાદિ ત્યાં કરી નિત્યે ટેલતો વનમાં હતો.

નદી વહે છે ગિરિથી રમન્તી,
ફૂલો તણાં ગીત હજાર ગાતી;
ગાયત્રીનો મન્ત્ર જપે નદીમાં
ઉભો રહીને ઋષિ એક દી ત્યાં.

ત્યાં ઘૂઘૂઘૂ ગિરિ નભ મહીં ગાજતો નાદ આવે,
મોજાં તેનાં પ્રતિધ્વનિ તણાં ભેખડે આથડે છે;
વારિ કમ્પ્યું, ડગમગી ગયાં શૃંગ અદ્રિ તણાં, ને
ત્રાસે નાસે વનચર બધાં કોઈ ધ્રૂજી પડે છે.

સિંહધ્વનિથી જયગર્જનાથી
ડરી મૃગો કૈં ઋષિ પાસ આવે;
ફલંગ મારી ઝરણું કૂદે છે,
તપસ્વી તે ચિત્ર ઉભો જુવે છે.

ત્યાં એક બાલ મૃગ કો હજુ જે અશક્ત
કૂદી જતાં ઝરણ તે જલમાં પડ્યું, ને
એ પૂરમાં તરફડી ઘસડાતું જોઈ
લાગ્યું ઋષિહ્રદય એ અનુકમ્પવાને.

ઉપયોગી થવા પ્રેરે તપસ્વી દિલને દયા,
પડે છે વારિમાં તેથી યોગી તે મૃગ ઝાલવા.

બલ કર મહીં આવ્યું પૂરને વીંઝવાને,
ગરીબ મૃગ બચા'વા કાંઈ ચિન્તા દિલે છે;
ઋષિ પદ ગ્રહી તેને ખેંચીને બ્હાર લાવ્યો,
હરિણ ઉગરવાથી કાંઈ આરામ આવ્યો.

કલાપીનો કેકારવ/૨૩૬