આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધક્કો દેતાં હ્રદય પિગળે આર્દ્રતાને, અરેરે!
ખેંચે તેને હ્રદય કુમળું કોણ ઠેલી શકે છે?

ભીનાં નેત્રે ઋષિ ધીમે ક્યારે ક્યારે કહી જતો;
'દૂર થા! દૂર હુંથી થા! રે વ્હાલા મૃગબાલ તું!'

ખેંચે છે તે પ્રણયી દિલને ઠેલવું હાય! શાને?
ધક્કો દેવા મૃદુ હ્રદયને યોગી! તું કેમ ઇચ્છે?
તારા આવા નિયમ સઘળા શુષ્ક લાગે મને તો,
મીઠી વૃત્તિ કુદરતી, અરે! બાળવા ઇચ્છતો કાં?

વ્હાલું છે તો ક્યમ દૂર કરે? નેત્રમાં કેમ અશ્રુ?
ધક્કો દેતાં પ્રણયી દિલને શ્રેય હું તો ન માનું;
આવાને શું તુજ હ્રદયને ચાહતાં પાપ થાય?
સ્વાર્થી તું છે પણ પ્રણયથી કાંઈ ત્હારૂં ન જાય.

સાક્ષી પૂરે તુજ જિગર જો આંસુથી વાતને આ,
તેની સામે કઠિન બનીને થાય છે આગ્રહી કાં?
પીવા તેને હ્રદયઝરણું ટેવ છે તેં જ પાડી,
બીજે ક્યાં તે જનહ્રદયની પામશે લ્હાણ આવી?

એ તો ત્હારાં સમિધફુલને સ્પર્શતાં યે ડરે છે!
તું ખીજે તો મૃદુ મૃદુ થઈ ગેલ કેવાં કરે છે!
તું રીઝે તો તુજ તરફ એ હોંશથી દોડી આવે!
એ નેત્રો શાં તુજ જિગરથી વાત છાની કરે છે!

કિન્તુ યોગી! તુજ ફરજ તું કાંઈ જૂદી જ માને,
આ પ્રીતિ કૈં તુજ હ્રદયને માર્ગ જુદો બતાવે;
હું સંસારી નવ કહી શકું યોગ્ય આ વા નહીં આ,
ત્હોયે આવી તુજ મગજની શુષ્ક રીતિ રુચે ના.

રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું,
એક દી યોગીઉરે આ ઉદ્ગારો નીકળે કંઈ:-

'કંઈ દુઃખે છે! દુઃખ તો જણાય છે!
'કહીં દુઃખે શું? પણ ના કળાય તે!
'મને રુચે આ મૃગ છોડવું નહીં!
'કહીં ય આસક્ત થવું રુચે નહીં!

કલાપીનો કેકારવ/૨૩૮