આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વહે છે સૌન્દર્યો પ્રતિ નયન પાસે કંઈ કંઈ,
અરે! ખેંચી કાઢે જિગર પણ કો એક જ નકી,
અહા! તે તો તેની કુદરત બધીની મધુરતા,
અને એ આત્માના અમર રસની એકમયતા.

અહો નેત્રો! જોજો પ્રણયી થઈને કોઈ પ્રતિમા,
ન જોયું ના જોશો સ્વરૂપ પછી એવું જગતમાં;
અરે પ્રેમી! પ્રેમી! વિશદ વધુ તેથી નવ કશું,
સદા કલ્પેલી તે સહુ મધુરતા છે તહીં ન શું?

જરા જોતાં જોતાં વિમલ પ્રકટે દીપક તહીં,
ધરે તે શા રંગો તુજ હૃદયના કાચની મહીં?
બન્યું એ તારાનું હૃદય ધ્રુવની માછલી, અને
હજારો ભાનુના બલથી મુખ તેનું નવ ફરે.

પરન્તુ એ દીપ્તિ તુજ હૃદયની માત્ર પ્રતિમા;
અરે શિલ્પી! એ તો તુજ જિગરની દિવ્ય પ્રતિભા;
ઘડી પૂજે મૂર્તિ તુજ હૃદય ત્હારા હૃદયની,
નવી નિત્યે માની, પ્રણયી! ભજ તે ઝિન્દગી સુધી.

અરે! આવું છે તો પ્રણયી નવ ઘેલો ક્યમ ગણું?
નહિ સાચું કાંઈ પણ પ્રણયીનું કલ્પિત બધું;
કરી પોતાનું એ પ્રણયી કંઈ એ ઉત્તમ ગણે,
ન શું એ અન્યાયી કુદરત તણો પાતકી બને?

અરેરે! સંસારી! તુજ જગત ક્યાં કલ્પિત નથી!
કર્યાં પ્રેમીનાં તો નયન પ્રભુએ તીક્ષ્ણ સહુથી;
વધુ પ્રેમી જોતાં વધુ વધુ તહીં રૂપ નિરખે,
અને એ મૂર્તિમાં હજુ વધુ જ સૌન્દર્ય નકી છે.

૧૪-૮-૧૮૯૬

પ્રેમીનું સ્મરણ

સ્મર સ્મર, ઉર ભોળા! ચન્દ્ર ઉગ્યો હતો તે,
ચળકી ચળકી મોજાં કૂદતાં ત્યાં હતાં તે;

કલાપીનો કેકારવ/૨૫૨