આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બહુ મ્હોટું તેનું તુજ હ્રદય માટે તપ હશે,
કંઈ એ જન્મોનાં તપનું ફલ તેને મળ્યું હશે.

નહીં આવું આડે, અહિત નવ ઇચ્છું પ્રણયીનું,
વળી ના ઝૂંટાતું ફલ મળી ચૂક્યું જે તપ તણું;
સુભાગી પ્રેમી! હા! તમ હ્રદયને તૃપ્ત કરજો,
અને મ્હારા જેવાં ઉપર કરુણાથી નિરખજો.

અહીં હું જન્મ્યો તે મુજ દિલની ચાવી તુજ થઈ,
મને કિન્તુ ચાવી તુજ હ્રદયની તો નવ મળી;
રડાવી તેં જાણ્યું, હસવી વળી જાણ્યું જિગર આ,
ન જાણ્યું મેં કો દી તુજ હ્રદયભાવો પલટવા.

હવે ત્હારે માટે તપીશ તપ હું ઝિન્દગી બધી,
હવે મૃત્યુનો એ ચીરીશ પડદો એ બલ વતી;
સુભાગી તે જેવો બનીશ નકી હું એક સમયે,
અને જન્મે જન્મે તુજ હ્રદય ભેટી રહીશ હું.

ઉભા સાક્ષી રાખી શશી, રવિ અને દેવ સઘળા,
સખી! ન્હાની તારી ગ્રહીશ કરથી હું કરલતા;
નવું કૈં શીખ્યો તે શિખવીશ સુખે ત્યાં સહુ તને,
અને મ્હારી પાંખો તુજ હ્રદયને અર્પીશ, પ્રિયે!

પછી મ્હારાં નેત્રે તુજ હ્રદયની ચાવી મળશે,
પછી મ્હારાં અશ્રુ તુજ નયનને કાંઈ કરશે;
પછી દુર્ભાગીના મુજ દિલથી જે બાથ ભીડતું,
પછી થાશે બિન્દુ મમ હ્રદય તો અમૃત તણું.

ન આ ફેરે તો હું તુજ મુખ હવે જોઈશ કદી,
બતાવી મ્હોં મ્હારૂં જિગર દુઃખી ત્હારૂં નહિં કરૂં;
થઈ માલીકી છો તુજ વદનની અન્ય દિલની,
વળી મ્હારૂં ટુંકું જીવિત મુખ જોવા બસ નહીં.

અરે! શું જોવું'તું હ્રદય વિણ લૂખા મુખ મહીં?
અને એવું એ મ્હોં મુજ નયન પાસે સ્થિર નહીં!
વળી ના મ્હારૂં કે જીવિતભર મ્હારૂં નવ થશે,
હવે તો જોવું છે વદન તુજ મ્હારૂં જ કરીને.

કલાપીનો કેકારવ/૨૬૫