આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નૌકા તુટેલ સરખું તુજ ઉર આ છે!
જેની મરામત હવે કદી એ ન થાશે.

શોધે સદા હૃદય માનવી માનવીનાં
રોવા અને જિગરનાં દુઃખને સુણાવા;
એ રાહમાં હૃદય આ તુજને મળ્યું'તું,
આશાભર્યા ઉમળકે હસતું બન્યું'તું,

રોવાની તેં મુજથી તાલિમ કિન્તુ લીધી,
ઉસ્તાદના જિગરમાં ય કટાર દીધી;
વિશ્વે કર્યા ટપકતાં દિલને વિખૂટાં,
અન્દાજ અન્તર તણો ન કરાય હાવાં.

આહીં સદા જખમીને જખમી જ શોધે,
રોતાં ભીનાં નયનને રડનાર લૂછે;
લાધે અહીં ક્વચિત ઘાયલ બે સમાન,
એનું ય એ ઘડીકમાં તૂટી જાય તાન.

વચ્ચે પડ્યું પ્રણયમાં પ્રણયી જ! એ શું?
ઔદાર્યને પ્રીતિથી દેશવટો મળ્યો શું?
શું તું હતું રમકડું કંઈ કાષ્ટ્નું, કે
મેં કોઈ કાજ તુજને ત્યજી? વ્હાલી! રે રે!

રે! પામશે જિગર ક્યાં તુજ મેળ હાવાં?
રે! ઇશ્કનો તુજ બુખાર જશે હવે ક્યાં?
ના દિલ્લગીની કદિ સોઈ કહીંય થાશે,
શું ઝિન્દગી તુજ હવે હિજરાઈ જાશે?

હુંને ઘટે ન સુખ વૈભવ ભોગ, વ્હાલી!
હુંને ઘટે ફકીરની વરવી જ ઝોળી;
તુંને ઘટે ન મુજ કાજ હવે રીબાવું,
તુંથી કિન્તુ બનશે દિલ ખાળવાનું.

હું તો બળીશ! બળતાં ઇનસાફ થાશે!
તું શું નહીં કુદરતે કદિ ન્યાય પામે?

કલાપીનો કેકારવ/૨૭૭