આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ શાન્ત નભ જ્યારે હતું બેઠું જઈ તળે!
જરા વારમાં કસેલું દિલ આમ જ ફીટી પડે!
જે હરદમ હતું ગમીના વખ્તમાં પ્રેમી ખરે!

હા! જે ડગતો ના જરી વાઝોડામાં પ્રેમ,
ફૂંકે ઊડ્યો તૂટી પડ્યો ફૂટે સીસો જેમ!
ચીરો શબ્દો ક્રૂરથી પડ્યો પ્રેમમાં જેહ,
ક્રૂરતર વાક્યો વરસશે મ્હોટો કરવા તેહ!

તારામૈત્રી જે જામતી પ્રેમી નયનની
માધુર્ય તે ઊડી જાશે નેત્રપાતથી!
પુષ્પાવલિ દીપાવતી પ્રેમબોલ જે,
છૂટી જશે: તૂટી જશે: વિખરાઈ પડશે તે!

મુક્તાહાર તૂટી પડ્યે મોતીડાં પડી જાય:
પ્રીતિ સરસર સરી જશે તેમ જ દિલથી હાય!
પ્રીતિલથબથ જે હતાં ભોળાં હૈયાં નેક,
વાદળ વિખરાયાં સમાં છૂટાં બનશે છેક!

હાસ્યનદનું નાચતું ઝરણ ગિરિ પરે:
અખૂટ ને અમાપ દિનરાત જલ ઢળે:

વહ્યુ: ગયું: ફાંટા પડ્યા: રણમાં ગયું સમાઈ!
નાચવું, હસવું, ઘૂઘવવું–સર્વે રહ્યું છુપાઈ!
તેમ દોર પ્રેમ-સ્નેહ-પ્રીતિનો તૂટે!
ન્હાન સુના સબબથી દિલ પ્રેમી કલહ કરે!

* * * *


સુખ જેનો દુ:ખ અન્ત છે તેને ઇચ્છે કોણ?
ગ્રન્થિ જે પલપલ તૂટે તે પર નાચે કોણ?
અનન્ત કાલ ઘોરવું અન્ધકારમાં,
પણ ન મોહ ન માનવો ચપલ જ્યોતિમાં!
તેજસ્વી સૌ ઉપટશે કાચા રંગ સમાન!
વધુ તેજસ્વી વધુ ચપલ વિજળી તેનું પ્રમાણ!
મિષ્ટ સૌ પેદા થયું પ્રેમસૃષ્ટિમાં!
હાથમાંથી મિષ્ટતમ થતાં ઊડી જવા!

* * *

કલાપીનો કેકારવ/૭૬