આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇચ્છે શશી ઝરણમાં ગરકાવ થાવા,
શું એટલું ય શકશે દુખિયાં કરી ના?

જેના મૃદુ કર વતી દ્રવતી શિલાઓ,
જેનાં ભર્યાં નયન ભવ્ય પ્રભાપ્રવાહે,
સૌન્દર્યનું ઝરણ નિત્ય વહાવનારો
તે શાન્ત શું ન કરશે મમ દગ્ધ હૈયું?

હું એ જ છું કુમુદડું શશીનું સદાનું,
એ એ જ વિશ્વ પર અમૃત ઢોળનારો
સૌ ઔષધિ ઉપર અમૃત સિંચતો જે
તે પોષતે જ મુજ શી ય કટુ લતાને.

જેનું અમીઝરણ ભેદ વિના વહે છે,
જે અર્પતા ભ્રમણમાં નવ કાલાન્ત કો દી,
જેને બન્યાં જીવિત અર્પણ એકરૂપે
દૃષ્ટિપ્રસાદ મુજને ય મળી રહેશે.

ઝાંખી મહત્ત્વ પરિપૂર્ણ તણી થઈ જ્યાં,
જે લક્ષ્યથી જીવનમાં જીવવું મળ્યું છે;
જે પેખતાં જીવિત દીર્ઘ સદાય થાતું -
આજે ય તે જ કરશે મમ શાન્ત હૈયું.

છે રાત્રિની ઝળક આજ નવીન કાંઈ,
આ મેઘમાળ મહીં ચન્દ્ર નવીન ભાસે;
છે તો નહીં સખી કને રસ અર્પવાને,
તો યે શશાંક રજની હસતાં દિસે છે.

૨૩-૩-૧૮૯૭


હમીરજી ગોહેલ

ઓ વીણા! તું બહુ યુગ થયાં શાન્ત આંહીં દિસે છે,
ટંગાએલી દિવસરજની વૃક્ષ સાથે ઝુલે છે;
ત્હારા તારો બસુર સઘળા ધ્રૂજતી આ લતાથી,
કમ્પી ઊઠી ઝણઝણ થતા વાયુની લ્હેરલ્હેરે.

ત્હારી પાસે ઝરણ ઘુઘવી જાય છે મન્દ ચાલ્યું,
ત્હેની સાથે તુજ સ્વર ભળે પૂર્વનું ભાન ભૂલી;


કલાપીનો કેકારવ/૩૨૮