આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેને વધાવું તે થકી ને અશ્રુ છાંટું નયનનાં!-૨૨

સંયોગની પલ ટૂંકડી વીતી ગઈ સ્વપ્ના સમી,
રવિ પશ્ચિમે ડુંગર ઉપર ઊભો રહ્યો દોડી જઈ;
લંબાવી કરકિરણો જગાડ્યાં વૃક્ષ સૌ ધંધેણીને,
ને ત્યાં ઉડાડ્યાં પક્ષીઓ કુમકુમ સમું કંઈ છાંટીને!-૨૩

કોકિલ તણી કીકી સમો રસ દ્રાક્ષનો ઢોળ્યો પણે,
ને ચળકતાં ફૂલડાં ગુલાબી વેરિયાં નભમંડપે;
ત્યાં ગાર આછી ચોકમાં લીંપી રૂડી કેસર તણી,
પણ ભાનુ તો ડૂબી ગયો ને શાન્ત સંધ્યા રહી ગઈ!-૨૪

આ આભને આસમાની પરદે કિરણ સૌ રેલી ગયાં,
ને એક બાજુ વાદળીમાં નવીનરંગી થઈ રહ્યાં;
ને પણે વાદળ ગરુડ શું કનકનું લટકી રહ્યું
તે તો હવે રસ થઈ જઈ ઢોળાઈ ને પીગળી ગયું!-૨૫

ત્યાં વૃક્ષના ઘટ ઝૂંડમાં કો’ બુરજ ઊભો એકલો,
તે સ્થાનમાં ઝીણો, મધુર ગંભીર વાગે શંખ કો;
તે સૌ પ્રદેશો ઉપર ડોળા ફાડતી રાત્રિ ધસી,
અંધારપડદે છાઈ લીધું વિશ્વ પ્હોળું ક્ષણ મહીં!-૨૬

વાંસવૃન્દો આરડે ને પવન હાંફે જોરથી,
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી;
પણ ત્યાં ઊભું તટ પર દિસે કોઈ દબાયું દુઃખથી,
માનવ હશે! એના વિના આ સુખી જગતમાં કો’ દુઃખી?-૨૭

દુઃખમાં પડ્યું માનવ અને દુઃખદાહ તે પાછળ જુવે,
નહિ જ્ઞાન તેને ભાવિનું પણ કલ્પી દુઃખ ડરતું રહે;
કંઈ સ્વાર્થ, સત્તા, દંભ એવા બન્ધ તેને ફરી વળે,
સુખમય અમારી જ્ઞાતિ તેની બ્હાર તે તો ટળવળે!-૨૮
૧૦-૧૧-૧૮૯૩

રસેચ્છા* [૧]

પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ!
જો હોય લેશ હૃદયે મુજ ધર્મ, ને જો-

  1. '*ઇંગ્રેજ કવિ શેલિના એક કવ્યના ન્હાના કકડા પરથી
કલાપીનો કેકારવ/૮૩