આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેને ત્યજી હજી અરિ શરમિંદ થાતા -
તે ક્ષત્રિ કોઈ લઈ યોધ પછાડી ચાલે.

સૂઈ ગયેલ રજપૂતી જગાવવાને -
સૌ વીરને ચમક ક્ષત્રિની આપવાને -
ઉત્સાહ સ્થાન પ્રતિ ઉપર પ્રેરવાને
નિશાની યુદ્ધ તણી યોધ સહે ફરે આ.

ડંકાની ત્રણ ગર્જના નગરમાં લોકો સહુ સુણતાં
ને સૌ ઉત્સુક સ્ત્રી સસંભ્રમ હવે દ્વારે ધસી આવતી;
જેના વીર્ય તણી અનેક રસીલી વાતો સુણાઈ હતી,
તેને હર્ષથી ઝાંખવા જન બહુ હાટે બજારે ઊભાં.

દરવાજા કને પ્હોંચે સવારી યોધ તણી હવે,
જોવાને આવતાં લોકો દોડતાં પડતાં ધસે.

છે રોશની હાટ મહીં કરેલી,
છંટાયેલી શ્વેત બજાર ભાસે;
કૈં યુદ્ધનાં ચિત્ર દિવાલમાથે
રાતા પીળા રંગથી ચીતર્યાં છે.

આહીં હતો તે દશ શીર્ષવાળો,
ત્યાં રામ, ત્યાં વાનર ઊડતો તે;
ત્યાં જાનકી વૃક્ષ નીચે રડંતી,
ક્યાંઈ વળી શ્વેત જટા ઋષિની.

ત્યાં વાઘ અશ્વો, તહીં હસ્તિ મ્હોટા,
અનેક રંગી વળી વેલીઓ કૈં;
છાયા પડે તે પર કૈં જનોની -
કૈં ભૂતડાં દોડી જતાં દિસે છે.

કોલાહલે માનવીઓ તણા આ
સ્ત્રીના કંઈ અર્ધ સુણાય શબ્દો;
લાંબા ઝીણા સાદ અનેક થાતા,
પ્રત્યેક ટોળે નવી વાત ચાલે :

'આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો - બેન ! શું ?'
'જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?'


કલાપીનો કેકારવ/૩૫૯