આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરી જૂદું પાણી પય જ્યમ પીએ હંસ સઘળા,
ભલે તુંએ તેવું ગુણ ગ્રહી રહે આ જગતમાં;
ભલે ઝૂઝે યુદ્ધે, જગત પર છે યુદ્ધ સઘળે,
વિના લોભે કીર્તિ તુજ બલ ભલે મેળવી ઘૂમે !

ભલે તેજસ્વી તે રવિ તુજ પરે કિરણ ધરે,
ભલે તારું આયુ-કટુ ઝરણ-તેજે ઝળહળે;
કદી અંજાયે તો નયન તુજ તે તેજથી ભલે,
ભલે શાન્તિ પામે હૃદય તુજ આનન્દ ઉભરે.

અરે! ત્હોયે છેલ્લે જીવનરવિના અસ્ત સમયે,
ઝઝૂમેલી સંધ્યા સરકી જતી જ્યારે નિરખશે,
પહેરી લેશે તું શરીર પર તે શાન્ત ઝભલું,
અને પાછું ત્યારે ગ્રહીશ દુઃખ તે ઉગ્ર બળતું !

૧૬-૫-૧૮૯૪


જ્યાં તું ત્યાં હું

ચિન્તાક્રાન્ત મુખે ખરે ટપકતાં અશ્રુ ઉન્હાં મોતી શાં,
તહારાં શાં વિગલિત ગાત્ર વનમાં વૃક્ષે અઢેલી રહ્યાં!
મીઠું કાંઈ મુખે લવી પ્રિય, અહા ! નિશ્વાસ ધીમે મૂક્યો!
તે સૌ હું નજરે રહું નિરખતો, સૌભાગ્યશાલી બન્યો!

કેવી શાંત નિશા ! જરી પવનથી ના ડોલતું પાંદડું!
કેવું ચંદ્રપ્રકાશથી ચળકતું આકાશ આ ઉજ્જ્વળું!
હા હા! આ સમયે, પ્રિયે ! હૃદયથી કાં ના લપેટે મને?
કાં ત્હારું મન શોકથી ઉભરતું શંકાભરેલું? અરે!

હા! નિદ્રાવશ તું બની, કમલશાં નેત્રો મિચાઈ ગયા;
નીલા ઘાસ તણી બિછાત પર આ અંગો પડ્યાં શાન્તિમાં;
આંસુના પડદા વતી નયન તો મ્હારાં થયાં આંધળાં!
લૂછ્યાં ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સૂકાવી દીધાં!

સૂજે, પ્રાણ ! સુખે રહી નિડર તું ત્હારો ઊભો દાસ આ,
તે સ્પર્શી તુજ ગાલ લાલ અધરે ચૂમી ને લેશે પ્રિયા !
શાન્તિમાં તુજ ભંગ એ નહિ કરે આલિંગી બન્ને ભુજે,
સૂતી સિંહણ, કોણ ક્રુદ્ધ કરશે તેને જગાડી? કહે !

કલાપીનો કેકારવ/૯૩