આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ફુવારા હૈયાના પ્રણયઝરણે એક કરશું,
'વનોમાં આનન્દે કર કર મહીં લેઈ ફરશું;
મ્હને તુંને સાથે ઉર પર કંઈ એક રમતું,
'સદા પૂજીશું તે હૃદયગળણીથી નિશદિને.

'સૂતેલા આનન્દો મધુર સ્વરથી સૌ જગવશું,
'અહીં વીણા છે ને સ્વર પર કૂદે તે મૃગલીઓ;
'વિયોગોના ભીના કરુણ મૃદુ ગાઈ સ્વર બધા
'રસે ધ્રૂજન્તાં આ ઉર લપટવા છૂટ કરશું.

'પ્રભુ ખોવાયેલો મુજ હૃદયને જે મળી ગયો,
'સદા તેને મ્હારાં નયન પર રાખીશ તરતો;
'વળ્યો આત્મા મીઠો મુજ જિગર ખોખા મહીં ફરી,
'હવે તેને કંઠે કબજ કરી રાખીશ રમતો.'

૨૬-૧૦-૯૭

હમારી પીછાન

હમે જોગી બધા વરવા, સ્માશાનો ઢુંઢનારાઓ;
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

જહાં જેને કરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદુ હમારું ફૂંકનારાઓ !

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ;
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા;
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાંયે વ્હોરનારાઓ !

હમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી;
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનરાઓ !

ગરજ જો ઈશ્કબાજીની, હમોને પૂછતા આવો;
બધાં ખાલી ફિતૂરથી તો, સદાયે ન્હાસનારાઓ !

જહીં સ્પર્ધા તણી જગની દખલ ન પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !


કલાપીનો કેકારવ/૪૬૦