આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્હારાં ચંચલ નેત્રના ઝરણમાં ડૂબ્યો રહું સર્વદા,
ત્હારી નાજુક પાદપંક્તિ પરની ધૂલી લગાવું શિરે !

હિંડોલા સમ ઝૂલતું જલભર્યું કાસાર ત્યાં સ્વર્ગનું –
પુષ્પોની ખરતી સુગન્ધી રજથી બ્હેકી રહેલું બધું;
સોનેરી ઢગ રેતના ચળક્તાં ભીના બનેલા જલે,
આવી શાન્ત નિશા શશી સહ હવે તે સૌ પ્રદેશો પરે.

શોધી તીર કદમ્બની સુખભરી છાયા ઘડી ત્યાં ઊભે,
રેલી છે સહુ પાસ રેલ શશીની તે જોઇ તું તો હસે;
ઇચ્છા સ્નાન તણી થતાં ચમકી તું ચોપાસ ભીરુ જુવે;
ના ના હું નજરે કદી નહિ પડું: છું વૃક્ષડાળી પરે!

તોડે ગાંઠ ન છૂટતાં કર વતી તું એક ચોળી તણી,
લજ્જાળુ મન નીવિબંધ છૂટતાં શર્માઈ સ્તંભે જરી;
ત્હોયે વસ્ત્ર સરે, પડે સરક્તું તે વિશ્વ જોતું રહે,
ને એ કૌતુક તો બધું નયનથી પી જાઉં છું હું ખરે!

હા હા ! દેહકળી દિગમ્બર બની પ્યારી ખીલી નીકળી;
ઊડ્યા કેશ લપેટવા સ્તનતટો ને કેસરી શી કટિ;
બે બાહુ કમલો તણા રસિકડા છે દંડ ન્હાના સમા,
સ્કંધો કે સ્તન કોતરી બરફના પ્હાડેથી જાણે લીધાં !

ધીરી ઉદ્ધત છે ગતિ તુજ, પ્રિયે ! તું મોહમાયા દિસે !
ત્હારૂં ભવ્ય કપાલ સ્ફાટિક સમું તેજે ભર્યું છે ખરે;
જંઘા છે કદલી, ગુલાબફુલડાં હાથેલિયો હાથની,
લાંબી ડોક કપોત શી તુજ, પ્રિયે! ભ્રૂની લતા ચાપ શી!

ચાલે બે ડગલાં નિરંકુશ બની, પ્હોંચી કિનારે હવે,
ત્હારી નાજુક તું છબી નિરખતી, ઊભી તટે, વારિએ;
કેવા સ્હર્ગતડાગનાં મધુરવાં મોજાં કૂદી આફળે!
તે કેવાં તુજ પાદને રમતમાં ચુમ્બી ઉડે છે હવે !

મ્હારી અસ્થિર છે છબી સલિલમાં તે જોઇ કંપી જરા,
રીસાઈ મનમાં, ડરી ચમકી તું, ધ્રૂજી પડી વારિમાં;
નિચિ મંજુલ આકૃતિ જલ તણું ચીરી કલેજું ગઈ,
કુંડાળું જલમાં પડ્યું ખળકતું હું તો રહ્યો જોઈ તે!

કલાપીનો કેકારવ/૯૫