આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન ઇષ્ટોની ગિલ્લા કદિ પણ સહી ભક્ત શકતાં,
પ્રિયે ! શ્રદ્ધાળુ છો સુખથી નિજ શ્રદ્ધા સહ રહે;
પ્રભુને ચ્હાજે તું, મુજ પ્રભુ નહીં કો અવર છે,
ત્હને પાષાણો તે મુજ જિગરનું જીવન ઠર્યું.

સુણે તું ત્હોયે શું ? સુણીશ નહિ ત્હોયે નવ કશું,
ઠર્યું છે મ્હારે તો તુજ પદ કને રોઈ મરવું;
પ્રભુ આ હૈયાનો તુજ ઘર મહીં વાસ કરતો,
પ્રિયે ! ભીખું તેને ગણીશ કટુ ના આ ગરજીને.

રુચે તે રીતે તું મુજ પ્રભુ તણું દાન કરજે,
બતાવે શી રીતે ગરજી વળી જે યાચક ઠર્યો ?
હું તો ઘેલો એના અધરરસનો લોલુપ સદા,
અને ચાવીતાળું અમર રસનું એ તુજ કને.

ત્હને એ મુશ્કેલી કંઈ કંઈ હશે ત્હોય પણ શું ?
કદાપિ તે દાને તુજ કર ન લાંબો થઈ શકે ?
અરે ! દાતારોની સ્થિતિ ન નિરખે યાચક કદિ,
પ્રિયે ! બીજે ભૂખ્યાં હૃદય નવ ધોખો ધરી શકે.

નહીં તું દે તો હું મુજ શિર ધરી દાદર પરે,
મરી ખાકે થાતાં રડીશ પદની ધૂળ બનતાં;
ન આવો કોઈને હજુ સુધી હશે યાચક મળ્યો;
વળી તુંથી અન્યે પ્રભુ તણી હશે લૂંટ ન કરી.

પ્રિયે ! હું જાણું છું મુજ હૃદય‌ઇચ્છયું નહિ મળે,
છતાં ત્હારી પાસે રુદન કરવા ટેવ જ પડી;
અરે ! કિન્તુ ત્હારો કર ઉપડશે દાન કરવા,
પછી તો જાણું છું મુજ ઉર નહીં યાચક રહે.

પ્રિયે ! હું જાણું છું રુદન મુજ તુંને દુઃખ કરે,
છતાં એ રોવાનું કમનસીબ છૂપું નવ રહે;
ઘણાં સન્નિપાતે જખમી દિલ જેવા બડબડે,
ગણી તેવો જૂઠી પણ જરૂર 'હાહા' જ કરજે.

૨૪-૪-૯૭


કલાપીનો કેકારવ/૪૮૧