આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલેલા તું જેવીના એ !
પ્રીતિ શી ? જે ના છે ગાલે -
                    ભાલે કે ચાલે !

રાતે સપને તું આવે છે:
ત્યાં તો કૈં જૂદું લવે છે !
કમ્પે કમ્પ, સ્મિતે સ્મિત, બાલે !
                    સપનાં તો મ્હાલે !

સપનાં તો સપનાં સપનાં છે !
જાગી જોતાં શા ખપનાં છે ?
ભેટન્તાં અહિંયાં તો બાથે
                     પ્રતિમા આરસની !

બાલે ! આ હૈયે ચમ્પાતાં -
જો તુંને સુખભાન કશું ના,
                      તો તું ડાહી હોશે !
                      તો તું સુન્દર હોશે !
                      નિત્યે નિર્મલ હોશે-
                      કિન્તુ પ્રીતિ ક્યાં ?

૪-૬-૯૮

ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ

જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે;
ચોંટેલો કાળજે ઝેરી તાજો ઘા અતિ ક્રૂર છે.

ન તીર સાથે હણનાર પ્હોંચે,
ઘા સાથ ના જીવ જતો રહે છે,
ઠર્યો નથી ઘા: હજુ રક્ત ઉન્હું,
હજી રહ્યું સ્નેહનું ભાન જૂનું.

સૌન્દર્ય આ વિશ્વ તણું ન જોવા,
છે કાલ છેલ્લો ઉપભોગનો આ;
ત્હારી, પ્રિયે ! એક જ દૃષ્ટિ લેવા
હજી ય ઇચ્છા હૃદયે ભરેલ છે.


કલાપીનો કેકારવ/૪૯૫