આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશા ગાળી : એ તો રુદન કરતાં એ ગઈ વહી,
ઉષાની આ વેળા ચકવી-ચકવાને વધી પડી.

ગઈ છે સૌ ચિન્તા, અનુકૂલ વિધિયે થઈ ગયો,
અમારાં ભાવીને વણકર વિધાતા વણી રહ્યો;
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,
દીધો નિર્મી તેનો મધુર કર મારા કર સહે.

હવે તો જાણે એ કુસુમપદને ચુમ્બન કરૂં,
ભરાઈને પ્યાલે અધર-પરવાળે જઈ ઠરૂં;
હવે તો એ પાસે મુજ જિગર કૈં તાંડવ રચી,
રહ્યું નાચી રાચી ઉદધિ રસનામાં રહ્યું મચી.

સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી,
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;
દિસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ !
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા !

છુપી ક્રીડા પેલી રવિકર અને વાદળી તણી;
છુપી ક્રીડા પેલી ગ્રહ-ઉપગ્રહોની રસિકડી;
ન રાખે કો છૂપું મુજ હૃદયથી આજ જરીયે,
જહીં દૃષ્ટિ નાખું અનહદ તહીં આદર મળે.

છતાં 'લે ! લે !' એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,
મને દેતાં દેતાં પવનલહરી કૈં ખસી જતી;
નકી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દિસે,
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.

સદા હું પૂજું તે તરફ છે જેટલી વળી,
અહો ! મ્હારી પાસે કુદરત દિસે તેટલી ઢળી;
પ્રિયાને પામન્તાં કુદરત બધી પામીશ નકી,
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.

છતાં હાવાં હૈયું પળપળ અધીરું ટમટમે,
સ્મૃતિનું ચિત્રે આ હૃદય પર કો ના સ્થિર રહે;
હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે ?


કલાપીનો કેકારવ/૫૦૦