આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હા, હું એ ઘસડાઈ એક વખતે વ્હાલા! ગયો ત્યાં હતો,
વ્હાલાંનો વિરહી બની હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો;
તે અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્યમાં છે ભર્યું,
સ્વચ્છાએ ભરી ચંચુ લાલ મુખથી પીજે ભલે આંસુડું!

ને જો શુષ્ક રણે જવું તુજ બને ઓળંગી સિન્ધુ, અરે!
રેતીના ઢગ ત્યાં ઊડે, પવન ત્યાં ફૂંકી ઉન્હા આફળે;
તું મ્હારૂં; તુજ હું, બની પણ સખે! હું ભોમિયો ના શકું,
એવા સંકટમાં અરે! મદદ ત્યાં આપી જરી ના શકું!

પાંખો સુંદર ત્યાં અતિ શ્રમવતી ચોળાઈ ચીરાઈને–
કંઠે સોસ પડ્યો હશે જલ વિના બાપુ! અરેરે તને!
પાંખોને તુજ શક્તિ ત્યાં ગરુડની દેજે પ્રભુને સ્તવી,
ને જાજે જલદી ઊડી, ઘટિત ના રોકાવું ત્યારે ઘડી!

ત્હારા માર્ગ પરે ઘણા તુજ સમા પાન્થો ગયા ઊડીને,
માર્ગે તે જ જવું, ભલે સુખ તને આવી મળે ના મળે!
નિર્માયું જવું તો જવું, દુઃખ વહી આનન્દ ધૈર્યે વહી,
આ તો ઝિંદગીભર પુણ્ય સરખો, સૂએ ન સિદ્ધિ કશી!

પ્હોંચે જ્યાં સુધી સ્થાન તું અવધિનું, તે અન્ત આવ્યા સુધી–
આકાશે જલદી અગાડી ઊંચકી તે ભાર તું જા ઊડી;
પૂરા સાહસથી બલિષ્ટ દુઃખને સંતોષથી પી જવું,
ને આનન્દ વિશેષ પ્રેમસુખથી તે દુઃખમાં માનવું!

હું આ વૃદ્ધ રડું ન તે ઘટિત છે, લૂછું હવે અશ્રુને,
જા તું, થા સુખિયું, ન આમ રડવું, છાતીથી ચાંપું, અયે!
રક્ષે ઈશ્વર પાપથી હૃદય ને દોરો સુમાર્ગે તને,
વ્હાલા પાન્થ! સુખી સુખી સુખી થજે! આશિષ મ્હારી તને!

૩૧-૧૦-’૯૪

વિરહસ્મરણ

દેશેદેશો નવીન નિરખી ઘૂમતો’તો પ્રિયે! હું,
ત્યાં ત્હોયે હા! વિરહભડકે દાઝતો’તો પ્રિયે હું;
ન્હોતું જ્યારે તુજ છબી શું ને શાન્ત રોઈ થવાનું,
ન્હોતું કાંઈ વિરહભડકો બૂઝવી નાખવાનું.

કલાપીનો કેકારવ/૧૦૧