આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તહીં જઈ સુણ્યા હંસોને રે સુમાનસને જળે,
પણ સુખ તહીં નિત્યે સીધું ન વ્યોમ થકી ઢળે!

ગિરિવર રૂડો કૈલાસે હું ચડ્યો શશિકાન્તનો,
અરધ ઉમયા શંભુજીના વિહાર મહીં મળ્યો;
રુધિર પણ જ્હાં વ્હાલીનું એ ફરે પિયુઅંગમાં,
તહીં પણ રહ્યો ભાલે તે એ શશી સરખો ક્યહાં!

વન વન ફરી ઉડી ઉડી મુસાફર કોકિલા,
મધુ સમયની પામી આજે સુઆમ્રતણી લતા;
સહુ મન ગમ્યું પીતાં પીતાં નશો રસનો ચડ્યો,
પણ ટાહુકતાં ચીડાતાં એ તૂટે સ્વર કેટલો!

સ્થિર નહીં અહીં, જોઈ ક્યાં એ હજી સરણી સુખી!
પલ પલ મહીં પાળે બાંધી છતાં પલટી જતી!
અરર! પલટે તેમાં તે શું મળે સુખ કોઈને?
સરખી પડતી ધારા ના ત્યાં બુઝે દવ કોઈ શે?

ખડ ખડ હસે તેનું રોવું મળે અળખામણું !
ખળખળ રડે તેને અશ્રુ નથી સ્થિર સાંપડ્યું!
'પગ જરી ધરૂં! હોડીવાળા ઉભું કર નાવને !'
જલ સ્થિર નહીં: નૌકા ક્યાંથી પછી સ્થિરતા ધરે ?

સ્થિરરસ થવા ઘેલી નાચે અહીં કવિતા બધી!
સ્થિરરસ થવા યોગી તાપે અનેક નવી ધુણી;
સ્થિરરસ થવા વ્હાલાં પંખી, જનો, જડ, સૌ મથે,
પણ કુદી રહ્યા આ બ્રહ્માંડો ! નથી સ્થિરરસ રસે.

સ્થિરરસ થવા મ્હેં વ્હાલીના કપોલ જલે ભર્યા,
સ્થિરરસ થવા તેણે એ આ ઉરે જખમો કર્યા;
સ્થિરરસ થવા વ્હાલાં ! ઓહો ! ચૂકે નિજ વ્હાલને!
પણ ચપલતા યત્ને યત્ને વધ્યા જ વધ્યા કરે.

રસ મુજ જતો રાખી લેવા પ્રિયા ખડકો ચણે,
પણ ગરીબડો ઊંધો એ તો પ્રયોગ પડ્યો, અરે!
વહન વહતું - તેને રોક્યે શિલા વચમાં ધરી,
જલ તુટી પડી તોફાને આ નદી ઉલટી ચડી!


કલાપીનો કેકારવ/૫૩૩