આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે હાવાં તે ઘનદલ સહુ વિખરાઈ ગયાં છે,
તારા સાથે શશી ચળકતો પશ્ચિમે ઉતરે છે.

ઓહો ! મીઠું જરૂર દીસતું તૃપ્તિનું આજ લ્હાણું,
કેવું ઘેલું કૂદી કૂદી ઉડી ગીત ગાતું ચકોરૂં!
કેવાં નાચી પ્રતિ વીચિ ઉરે ચન્દ્રનું બિમ્બ ધારે!
ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ઠ સાથે.

હિમે ઢાંક્યાં ગિરિવર તણાં શૃંગ શૃંગે શશી છે,
ને ગુલ્મોના પ્રતિ ફૂલ ઉરે ભૃંગ બાઝી રહ્યા છે;
આજે ક્યાંયે વિરહદુઃખનાં મ્લાનિ કે અશ્રુ છે ના,
ક્યાંયે છે ના જગત પરની સર્વવ્યાપી કટુતા.

પૂર્વે લાલી ચળકતી દીસે આભમાં કેસુડાં શી,
જે જોઈને કલરવ કરી ઊડતાં કૈંક પક્ષી;
પિયુ સાથે શયન કરતી સાંભળી સુન્દરી તે
બોલી, “મ્હારા પ્રિયતમ! ગઈ રાત્રિ ચાલી અરેરે!”

“આહા!” અન્તે જનહૃદયને બોલવાનું “અરેરે!”
કંપી રહેતાં જીગર સુખમાં ઉષ્ણ નિઃશ્વાસ આવે;
આંસુડાં જ્યાં નયન પરથી હર્ષનાં ના સૂકાયાં,
ત્યાં તો નેત્રો દુઃખમય બને આંસુની ધારવાળાં!

ચોંટી મ્લાનિ પિયુ હૃદયને સાંભળી તે “અરેરે”
ને અંગોમાં દુઃખમય અરે મ્લાનિની સુસ્તી આવે;
ફેંકી દૃષ્ટિ અતિ દુઃખભરી પ્યારીનાં નેત્ર સામે,
જે દૃષ્ટિમાં દુઃખમય અમી વ્હાલનું વર્ષી રહે છે.

બન્ને ઊઠી શિથિલ પગલે ગોખમાં આવી ઊભાં,
ભારે હૈયે કુદરત તણું શાન્ત સૌન્દર્ય જોતાં;
ઉગે છે ત્યાં જળહળ થતો પૂર્વમાં લાલ ગોળો,
નાચી રહે છે કિરણ સલિલે રેડતાં રંગ રાતો!

“કેવું, વ્હાલા ! ખૂબસુરત છે વિશ્વનું રૂપ ભવ્ય!
“નાચે કેવો સુખમય તહીં ઢેલ સાથે મયૂર!
“અશ્રુ ઝીલે પ્રિયતમ કને હેતથી તે મયૂરી,
“ને તે દે છે મયૂર પ્રણયી પ્રેમની ચીસ પાડી.

કલાપીનો કેકારવ/૧૧૬