આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


“શૃંગારી આ હૃદય તુજ ક્યાં? શાન્ત વૈરાગ્ય તે ક્યાં?
“સંસારી આ તુજ હૃદયમાં જ્ઞાનનું ઊગવું ક્યાં?
“શું વિચારું? મુજ મગજ તો બાવરું આ બને છે,
“શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઊભરે છે!

“જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!
“પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે.
“કરૂં છું” ને “કર્યું છે મેં”, જૂઠું એ અભિમાન હા!
“કરી તે શું શકે પ્રાણી, આ અનન્ત અગાધમાં?”


પણ પિયુકરમાં લટકી પડી–
“નહિ, પિયુ!” લવતી રહી સુંદરી!
પિયુ રહ્યો મુખ એ નીરખી, અને–
જલ તણી ઝરી પાંપણને ભરે!

૩૦-૧૧-૧૮૯૫

કન્યા અને ક્રૌંચ


હરિણી

ખળખળ વહે વ્હેળું ગાતું ધ્વનિ મધુરા જહીં
ફરફર સરે વાયુ ધીમે લતા તરુ ઝૂલવી;
રુચિર વનમાં તેવે જ્યારે ડૂબે રવિ પશ્ચિમે,
કિરણ કુમળાં પીળી પીળી પ્રભા રૂડી પાથરે!

હરિણી

વિટપ વિટપે વૃક્ષોની ત્યાં વિહંગ કૂદી રહ્યાં,
મધુર ગીતડાં ગાઈ ભોળાં નવી પ્રીતિ બાંધતાં;
ચિર સમય ઓ પક્ષી વ્હાલાં! રહો તમ જોડલાં!
ચિર સમય સૌ પાંખે પાંખો રહો દૃઢ જોડતાં!

હરિણી

પણ વળી તહીં દૈવી મીઠા સ્વરો કંઈ આવતા,
રમણીય પ્રભાની લાલીમાં મળી સહ રેલતાઃ
પરભૃત સમા કંઠે આવા સુનિર્જન સ્થાનમાં,
મૃદુ મૃદુ વીણા સાથે ગાતી સુકોમળ કન્યકા!

અનુષ્ટુપ

ક્રૌંચી એક ફરે પાસે કન્યાને પ્રિય તે હતી;
ફરે છે તે, ચણે છે, ને ખોળામાં વળી બેસતી.

હરિણી

વદનકમલે કન્યાના છે હજુ અનભિજ્ઞતા,
દુઃખ નથી સહ્યાં સંસારી કે ન કૈં જ કઠોરતા;

કલાપીનો કેકારવ/૧૧૯