આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવતાં કષ્ટની કિન્તુ તૈયારી કરી એ શક્યાં,
પંપાળી પ્રેમથી હૈયાં, ઓછો ભાર કરી શક્યાં.

પણ વખત એ આવી પહોંચ્યો થવા વિખૂટાં તણો,
ટમટમી રહ્યાં નેત્રે અશ્રુ, દિલે દ્રવતાં રહ્યાં
હૃદય હૃદયે ચંપાયાં ને છૂટાં થઈ એ ગયાં,
પ્રણયી નયનો છેલ્લી છેલ્લી સલામ કરી ચૂક્યાં.

અરે એ કન્યાનાં મગજ દિલ આત્મા લઈ ગયો,
રહ્યું ખાલી ખોખું ઉદધિ દુઃખનામાં ઉછળતું;
ન મૂર્છા આવી કે મરણ નવ આવ્યું સુખભર્યું,
નિસાસો ના આવે, નયન થકી ના અશ્રુ ખરતું.

ઊંડું ઊંડું હૃદય ઉતરી કાંઈ વિચારતું’તું,
વીતી વેળા પરથી પડ સૌ ખેંચી નિહાળતું’તું.
પૂરાયું એ પણ જગતનું પિંજરૂં તોડી નાખ્યું,
પૂરાયું એ પણ નવ હતું કેદનું કષ્ટ જાણ્યું.

દૃષ્ટિ કન્યા તણી ત્યાં એ પડે છે ક્રૌંચી ઉપરે,
ખોળા માહીં લઈ તેને, ધીમેથી કર ફેરવે.
બને છે દર્દ કૈં ઓછું દર્દીને દર્દી લાધતાં;
ભાગી કો’ દર્દમાં થાતાં પોતાનું દર્દ જાય છે.

કન્યા બોલી, ‘પ્રિય વિરહિણી ક્રૌંચડી બાપડી રે!
મ્હારાથી તું વધુ દુઃખી નકી કાંઈ આશા વિના છે;
“ઊડી ચાલ્યો તુજ પ્રિય અને વાયદો કૈં ન આપ્યો,
“આશા રાખી જીવિત તુજ તું ધારજે ત્હોય, વ્હાલી!

“આશામાં છે દિવસ દશ આ ગાળવા માત્ર મ્હારે,
“ત્હોયે શંકા મમ હૃદયમાં કાંઈની કાંઈ આવે;
“પ્રીતિવાળું બીકણ દિલ આ વિઘ્ન કલ્પે હજારો,
“રે! આશાથી કઠિન વિધિએ વિઘ્નની બીક જોડી!”

ઊઠી ધીમે નિજ ગૃહ ગઈ ક્રૌંચની સાથ કન્યા,
થાકેલા એ દિલ પર ધરી હસ્ત સૂઈ ગઈ ત્યાં;
આવી નિદ્રા મગજ દિલનું દર્દ સૌ દૂર કીધું,
ગ્લાનિના સૌ વિખરી પડદા મ્હોં પરે સ્મિત આવ્યું.

કલાપીનો કેકારવ/૧૨૪