આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક્રૌંચે તેની સખી પર ધરી ડોક લાંબી સુખેથી,
નિદ્રા જેવી સુખદ મધુરી શાંતિ આવાહતી’તી;
નિદ્રા લેજો: મધુર નકી છે ઊંઘવું જાગવાથી,
જો છે મૃત્યુ મધુર વધુ આ વિશ્વમાં જીવવાથી.

ઊઠીને પણ એ ગઈ વન મહીં પ્રેમી મળ્યો જ્યાં હતો,
નિદ્રા ઊડી ગઈ અને નવ પડ્યું કૈં ચેન તેને ગૃહે;
સાથે ક્રૌંચી લઈ ગઈ પ્રિય થઈ તે તો દયાથી હતી,
લીધું બીન હતું વળી હૃદયના ભાવો બજાવા તહીં.

નિત્યે આમ જ આવતી વન મહીં આશાભરી કન્યકા,
સંધ્યાએ દિન એક પૂર્ણ બનતાં આનન્દ તેને થતો;
બીજે કોઈ સ્થલે જરી હૃદય એ વિશ્રાન્તિ ના પામતું,
બીજે કોઈ સ્થલે ન અશ્રુ પડતું આશાભર્યા પ્રેમનું.

મળ્યું જ્યાં પ્રેમી તે સ્થલ પ્રિય બને છે પ્રણયીને,
ભરાયું જ્યાં હર્ષે જિગર ફરી યાચે સુખ તહીં;
ખરે વૃક્ષો વેલી સમદુઃખિત ત્યાં સૌ જડ દીસે,
તહીં હોનારાંની ઉપર અનુકમ્પા સહુ ધરે!

સ્મૃતિનાં બીબાં ત્યાં હૃદય પર ચોક્ખાં પડી શકે,
અને મીઠી મીઠી સ્મૃતિ વિરહીનું તો જીવિત છે;
કદી સંતોષી ના સ્મૃતિ થકી પરન્તુ દિલ બને,
અરે! તેને ખેંચી હૃદય ધડકીને તૂટી પડે!

***


ખીલતી કળીને ભોગી ભૃંગે કહ્યા દિન આજ છે,
પ્રિયતમ તણો ભેટો થાવા વકી પ્રિય આજ છે;
દિવસ સઘળો આશા માંહીં ક્ષણો ગણતાં ગયો,
રવિ પણ ગયો, ન ના ત્હોયે પતિ નજરે પડ્યો!

તૃણ જરી હલે, વાયુ વાયે, ઊડે શુક કોઈ એ,
ધ્વનિ જરી થતાં હૈયું ભોળું અરે! ધડકી રહે;
“નકી નકી જ એમ વ્હાલો મ્હારો.” વદી ઊઠીને જુવે,
કંઈ નવ અરે! જોતાં બેસે, વળી ઊઠીને ફરે!

કંઈ પણ થતાં એવું હાવાં ઊઠે નવ બાપડી,
પણ “જરૂર છે વ્હાલો આ તો” નકી ત્યમ ધારતી.

કલાપીનો કેકારવ/૧૨૫