આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૃગનયનને મીંચી ક્યારે થઈ ચૂપ બેસતી,
“નયન પ્રિયથી ચંપાશે આ,” નકી ત્યમ માનતી.

નિચોવી અશ્રુને હૃદય નિજ કૈં ખાલી કરવા,
પછી વીણા લીધી રુદનમય તે નાદ કરવા;
ન ખાળી ધારા એ નયન પરથી પૂર વહતી,
ન કમ્પી છાતી કે અધર ફરક્યા ના દુઃખ વતી.

પ્રભુ ! રોવું દેજે દરદમય ભોળાં જિગરને,
નકી રોવું એ તો તુજ હૃદયની આશિષ દીસે;
ચિતારાનાં ચિત્રે કવિત કવિનાં ને ધ્વનિ મહીં,
પ્રતિભાની લ્હેરો દરદમય મીઠું રુદન છે!

ભગિની ઓ કન્યા ! ફરી ફરી ભલે તું ફરી રડે,
ભલે ખાલી હૈયું રડી રડી રડીને તુજ કરે;
મહા કષ્ટો સાથે રુદન પણ આપે પ્રભુ તને,
અને હૈયું ત્હારૂં રુદન વતી એ સાફ કરજે!

પણ હૃદયમાં રોતાં રોતાં નવીન થયું કશું,
પ્રિયતમ તણી છાયા જેવું પડ્યું નજરે કશું;
ઊડતી ઊડતી છાયા આવી ગઈ ઊડતી વહી,
નવ સ્મિત હતું ચ્હેરામાં વા હતું સુખ ના જરી!

કહી ગઈ અરે! આવું, કે એ કહ્યું ત્યમ ધારતી;
“દશ દિવસ વીત્યા, આવ્યો! હવે મળવું નથી!”
શરદી વતી એ કન્યા કમ્પી અતિ દુઃખમાં લવી :-
“દશ દિવસ વીત્યા, આવ્યો, હવે મળવું નથી!”

પડી એ બાપડી બાલા ધ્રૂજતી ધરણી પરે;
ગયા બે તાર તૂટી ને વીણા કરથી પડી,

***


એ વેળા એ તન ત્યજી ગયો પ્રેમી કન્યા તણો એ,
કો’ શત્રુના કર વતી થયો શીશનો છેદ રે રે!
મૃત્યુ આવ્યું, પ્રિય નવ મળી, હોંશ પૂરી થઈ ના,
‘વ્હાલી, હું આ...’ જીવ ઊડી ગયો એટલું બોલતામાં.

શંકા મૃત્યુની આ હતી હૃદયમાં જ્યારે પ્રિયાની કને
બોલ્યો, “હું દશ દિનમાં ફરી, પ્રિયે! આવી મળું તુજને;”

કલાપીનો કેકારવ/૧૨૬